લોગવિચાર :
સ્થૂળતાથી પીડિત લોકો માટે સારાં સમાચાર છે. અમેરિકાએ વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી છે. તેને ભારતમાં પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ દવા ઊંઘ દરમિયાન શ્ર્વાસની તકલીફથી પીડાતાં દર્દીઓ માટે બનાવવામાં આવી છે. આ રોગને ઓએસએ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ પ્રથમ વખત તેને ડાયાબિટીક વિરોધી દવા તરીકે મંજૂરી આપી છે. તે Zepbound (Tirzepatide) તરીકે ઓળખાશે. પુખ્ત વયનાં લોકોમાં સ્થૂળતા-સંબંધિત ઓએસએને નિયંત્રિત કરવા માટે તેને મંજૂરી આપવામાં આવી છે. આ દવાનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે.
મધ્યમથી ગંભીર ઓએસએની સારવાર હાલમાં શ્ર્વસન ઉપકરણો જેમ કે સીપીએપી અને બીઆઇ-પીએપીનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ઝેપબાઉન્ડ શોધનાર એલોય લિલીએ જણાવ્યું હતું કે જો તમામ મંજૂરીઓ મળી જશે, તો તેઓ ભારતમાં આ ઈન્જેક્શનને 2025 માં Mounjaro બ્રાન્ડ નામ હેઠળ લોન્ચ કરશે. દવાની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી.
એલી લિલીએ જણાવ્યું કે "આ દવાની કિંમત ભારતમાં દવાની અસરકારકતા અને ટાઈપ 2 ડાયાબિટીસ તેમજ સ્થૂળતાના એકંદર આરોગ્ય અને આર્થિક બોજને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.” એક અભ્યાસ મુજબ, ભારતમાં લગભગ 10.4 કરોડ લોકો ઓએસએ થી પીડિત છે, જેમાંથી 4.7 કરોડ લોકો મધ્યમ અથવા ગંભીર ઓએસએથી પિડીત છે.
એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું કે, "ઓએસએની સારવારમાં વજન ઘટાડવું એ એક મહત્વપૂર્ણ માપદંડ છે. આ દવા વજન ઘટાડવામાં મદદ કરે છે અને આમ ઊંઘ દરમિયાન શ્ર્વસનને સુધારે છે. તેથી તે ચોક્કસપણે ગેમ-ચેન્જર સાબિત થશે. પરંતુ આપણે રાહ જોવી પડશે. તેમણે કહ્યું કે આ દવાનાં લાંબા ગાળાનાં પરિણામો, સંભવિત આડઅસરો અને ઓએસએ દર્દીઓ માટે તેની યોગ્યતા વિશે સચોટ માહિતીતો દવા આવશે ત્યારે જ ખબર પડશે.” ઓએસએ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિનાં શ્ર્વસન માર્ગમાં અવરોધ આવે છે અને જેનાં કારણે ઊંઘ દરમિયાન શ્ર્વાસ લેવામાં અવરોધ આવે છે અને તે સારી ઊંઘ નથી કરી શકતાં.