લોગ વિચાર :
ગંગા,યમૂના અને સરસ્વતી નદીના સંગમ સ્થળે શ્રધ્ધા, ભકિત અને સંસ્કૃતિના મહાસંગમ-સમા અને દુનિયાનાં સૌથી મોટા ધાર્મિક મેળાવડા એવા મહાકૂંભનો આજે વિધીવત પ્રારંભ થયો છે. પોષ પુર્ણિમાના સ્થાન સાથે મહાકુંભની શરૂઆત થઈ હતી. આવતીકાલે મકર સંક્રાતિનુ શાહી સ્નાન થશે ઉપરા ઉપર બે દિવસ અમૃત સ્નાનના યોગ બન્યા છે.
મહાકુંભનાં પ્રારંભે જ લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને પ્રથમ બે દિવસમાં જ ચાર કરોડ શ્રધ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવે તેવી ધારણા છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડાનાં પ્રારંભ સાથે જ શ્રધ્ધા-ભકિતનો મહાસાગર છલકાયો હોય તેમ આજે સવારમાં જ 40 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ સંગમ સ્થળે પવિત્ર ડુબકી લગાવી દીધી હતી. 35 લાખથી વધુ ભાવિકો ગઈકાલે જ પ્રયાગરાજ પહોંચી ગયા હતા.
26 ફેબ્રૂઆરી-45 દિવસ-સુધી ચાલનારા આ મહાકૂંભ માટે 10000 એકર જમીનની કાયાપલટ કરીને 40,000 એકરમાં યોજવામાં આવ્યો છે. મહાકુંભમાં આવનારા ભાવિકોને કોઈ તકલીફ ન થાય તે માટે અભુતપુર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા બંદોબસ્ત ઉપરાંત લોકોનાં ભુલા પડવા કે ખોવાઈ જવાથી માંડીને તમામ પ્રકારની ગોઠવણ છે.
ભકિત-આધ્યાત્મિક શ્રદ્ધાનાં સંગમ સ્થળે આજે પૌષ પૂર્ણિમા તથા કાલે મકર સંક્રાતિનું સ્થાન થશે. અક માસના કલ્પવાસનો પણ આજથી પ્રારંભ થયો હતો ત્યારબાદ 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા 3 ફેબ્રુઆરીએ વસંત પંચમીનું સ્નાન થશે. માઘી પૂર્ણિમાએ 12 ફેબ્રુઆરીએ કલ્પવાસ પૂર્ણ થશે.
45 દિવસના ધાર્મિક મેળાવડાની વિશેષતા
40 કરોડ શ્રધ્ધાળુઓ
* 45 દિવસનાં મહાકુંભમાં 40 કરોડ લોકો ઉમટવાનો અંદાજ
41 ઘાટ
* પવિત્ર સ્નાન-ડુબકી માટે 8 કાયમી સહિત 41 ઘાટનું નિર્માણ
1.6 લાખ ટેન્ટ
પ્રયાગરાજમાં કુંભસ્થળે 1.6 લાખ ટેન્ટ સાથે ટેન્ટ સીટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
5400 કરોડનું બજેટ
મહાકુંભ માટે રાજય સરકારે 5400 કરોડનું બજેટ રાખ્યુ છે. કેદ્ર સરકાર 2100 કરોડ આપશે
10,000 એકર જમીન
* મહાકુંભ માટે 10,000 વાર જમીનની કાયાપલટ કરવામાં આવી હતી.
13000 ટ્રેન, 7000 બસ
45 દિવસનાં મહાકુંભ દરમ્યાન 13000 ખાસ ટ્રેન અને 7000 બસ દોડશે.
કાલે શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણી તથા અટલ અખાડાના સાધુ પ્રથમ સ્નાન કરશે
મહાકુંભમાં પવિત્ર સ્નાનનુ ખાસ મહત્વ છે. આજે પ્રારંભ સાથે જ ખાસ યોગ બન્યા હતા. આજે અને કાલે ઉપરાઉપર બે સ્નાન છે. કાલે મકરસંક્રાંતિનુ અમૃતસ્નાન હશે જે સવારે 6.15 વાગ્યે શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણી તથા શ્રી પંચાયતી અટલ અખાડાના સાધુ સૌપ્રથમ ડુબકી લગાવશે. ત્યારબાદ વારાફરતી 11 અખાડાના સાધુઓ ડુબકી લગાવશે. બપોરે 4.20 સુધી ચાલશે. એક અખાડાના સાધુ પરત કરે ત્યારપછી બીજાના પ્રવેશનુ નિશ્ચિત સમયપત્રક નકકી કરાયુ છે.