લોગ વિચાર :
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી ગયેલા અજાણ્યા શખ્સ-લુંટારાએ અભિનેતા પર છરીથી હુમલો કરતા તેને ઇજા થઇ હતી અને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવથી મુંબઇ પોલીસ સ્તબ્ધ બની છે. જયારે બોલીવુડમાં પણ ખળભળાટ સર્જાયો છે.
લુંટારૂ ઘટના બાદ ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરાર થયેલા લુંટારૂને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. અભિનેતાના બંગલામાં રહેતા કર્મચારી-નોકરોની પણ ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરવામાં આવી છે.
બોલીવુડમાં સનસનાટી સર્જનાર આ બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે મુંબઇના બ્રાંદ્રા સ્થિત સૈલી અલી ખાનના નિવાસ સ્થાને રાત્રે 2.30 વાગ્યાના અરસામાં એક અજાણ્યો શખ્સ ઘુસી ગયો હતો. આ સમયે ઘરમાં તમામ લોકો મીઠી ઉંઘ માણી રહ્યા હતા. અજાણ્યો શખ્સ ઘુસ્યાનું ધ્યાને આવતા ઘરના નોકરો જાગી ગયા હતા અને ચોર.. ચોરની બુમ પાડવા લાગ્યા હતા.
આ દરમ્યાન અભિનેતા સૈફ અલી ખાન પણ જાગી ગયો હતો અને ચોરને પકડવા પ્રયત્ન કર્યો હતો. આ દરમ્યાન લુંટારૂએ તેને પર છરીથી હુમલો કરતા સૈલી અલી ખાનને માથા, ગળા અને પીઠના ભાગે ઇજા થઇ હતી.
સૈફ અલી ખાન પર હુમલો કરીને લુંટારૂ ફરાર થઇ ગયો હતો. સૈલી અલી ખાનને ઇજા થઇ હોવાથી તાત્કાલીક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના ગળાના ભાગે છરીથી લાંબો ચીરો થયો હોવાનું માલુમ પડયુ હતું. ઉપરાંત માથા અને પીઠમાં ઇજા હતી. હોસ્પિટલમાં તબીબો દ્વારા બોલીવુડ અભિનેતા પર સર્જરી કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ તથા સૈલી અલી ખાનના નિવાસે પહોંચી ગયો હતો. સમગ્ર બનાવ વિશે ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જુદી જુદી તપાસ ટીમો બનાવવામાં આવી છે.
સૈફની ટીમનું સત્તાવાર નિવેદન
સૈફ અલી ખાનના બંગલામાં લુંટારૂ દ્વારા કરાયેલા હુમલામાં બોલીવુડ અભિનેતા ઘાયલ થયો હતો. અભિનેતાની ટીમ દ્વારા સત્તાવાર નિવેદનમાં એમ જણાવાયું છે કે સૈફ અલી ખાનના ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો તે દરમ્યાન અભિનેતા ઘાયલ થયો હતો. તેને લીલાવતી હોસ્પિટલમાં ખસેડાયો છે અને સર્જરી કરાઇ હતી. સૈફ અલીનો એક નોકર પણ હુમલામાં ઘાયલ થયો હતો. પોલીસ તપાસ કરી રહી છે અને કંઇ અપડેટ હશે તો મીડિયાને શેર કરવામાં આવશે.
સૈફ અલી ખાનની પત્ની કરીના કપુર ઘેર હાજર ન હતી
પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે, સૈફ અલી ખાન પર ઘરમાં હુમલાની ઘટના વખતે તેની પત્ની કરીના કપુર હાજર ન હતી. અભિનેત્રી કરીના પોતાની બહેન કરિશ્મા અને સોનમ કપુર સાથે ગર્લ્સ નાઇટ આઉટમાં હતી. કરિશ્મા કપુરે ઇન્સ્ટાગ્રામ પર ફોટા પણ અપલોડ કર્યા હતા અને તેમાં કરીના કપુર હાજર હોવાનું જણાયું હતું. કરિશ્મા, કરીના ઉપરાંત ફિલ્મ નિર્માતા વિહા કપુર અને સોનમ કપુર પણ આ તસ્વીરમાં નજરે ચડતા હતા.
સૌપ્રથમ નોકરાણી સાથે લુંટારૂને ઘર્ષણ થયું હતું
મુંબઇ પોલીસે એવો નિર્દેશ આપ્યો છે કે, સૈલી અલી ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને ઘુસેલા અજાણ્યા શખ્સને સૌપ્રથમ ઘરની નોકરાણી સાથે ઘર્ષણ થયું હતું અને આ દરમ્યાન અભિનેતા આવી ગયો હતો અને દરમ્યાનગીરીનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઉશ્કેરાયેલા શખ્સને સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરી દીધો હતો અને તેમાં તે ઘાયલ થયો હતો.
ઝપાઝપી થઇ હતી કે ?
પોલીસના સુત્રોએ કહ્યું કે, બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને છરીથી ઇજા થઇ છે કે ઝપાઝપીમાં ઘાયલ થયો છે તે હજુ સ્પષ્ટ થયું નથી. તબીબી રીપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચને પણ સામેલ કરવામાં આવી છે.
સૈફ અલીને છ જગ્યાએ ઇજા
લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડો.નિરજ ઉતમાનીએ જણાવ્યું હતું કે બોલીવુડ અભિનેતા પર તેના જ ઘરમાં અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. વહેલી સવારે 3.30 વાગ્યે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
શરીર પર છ જગ્યાએ ઇજાના નિશાન માલુમ પડયા હતા. તેમાંથી બે ઘા ઉંડા હતા, એક ઘા ગળા પર હતો તેના માટે સર્જરી કરવામાં આવી છે. ન્યુરો સર્જન નીતિન ડાંગે તથા કોસ્મેટીક સર્જન લીના જૈન દ્વારા તેની સર્જરી કરવામાં આવી રહી છે. ઓપરેશન પૂર્ણ થયા બાદ ઇજા વિશે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.