પ્રયાગરાજ મહાકુંભમાં મુક્તિ માટે ડૂબકી લગાવતા વિદેશીઓ

લોગ વિચાર :

પવિત્ર સંગમ શહેર પ્રયાગરાજમાં આસ્થાનો સૌથી મોટો મેળો ’મહાકુંભ’ શરૂ થયો છે. તે માત્ર એક ધાર્મિક મેળો નથી પરંતુ આસ્થા અને આધ્યાત્મિકતાનો વિશાળ મહાસાગર છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાનાં આત્માને શાંતિ અને પવિત્રતાથી ભરવા આવે છે.

માઘ પૂર્ણિમાના રોજ પ્રથમ અમૃતસ્નાન અને મકરસંક્રાંતિના રોજ બીજા અમૃત સ્નાન પછી, લાખો ભક્તો ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર ભક્તિનાં રંગમાં રંગાયેલા જોવા મળે છે.

અહીં બધે જ અલૌકિક ઉર્જા છે, જ્યાં મનુષ્યો વચ્ચે કોઈ ભેદભાવ નથી, બધાં એક જ ભક્તિના રંગમાં રંગાયેલા છે. આ અદભુત આધ્યાત્મિક અનુભવના સાક્ષી બનવા માટે લોકો માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ આવી રહ્યાં છે. આ અહેવાલમાં, આજે ચર્ચા કરવામાં આવશે કેટલાક પસંદગીનાં વિદેશી ભક્તો વિશે.

દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને સ્પેનના યાત્રાળુઓએ પણ પ્રયાગરાજમાં ગંગામાં ડૂબકી લગાવીને પોતાની ખુશી અને આદર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ પવિત્ર સ્થાન પર આવ્યાં બાદ તેમને લાગ્યું કે તેમનાં આત્માને નવી ઉર્જા મળી છે. તેમણે કહ્યું કે અહીંનાં લોકોની શાંતિ, પ્રેમ અને ભક્તિ તેને ખૂબ પ્રભાવિત કરી રહી છે.

આ વખતનો મહાકુંભ એટલાં માટે પણ ખાસ છે કારણ કે તે એક દુર્લભ ખગોળીય સંયોગમાં બની રહ્યો છે જે 144 વર્ષમાં એકવાર થાય છે. આ જ કારણ છે કે દેશ-વિદેશમાંથી લાખો ભક્તો આ દિવ્ય પ્રસંગમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે.  દરેક વ્યક્તિ અહીં આવીને પોતાનાં આત્માને શુદ્ધ કરવા અને આ આધ્યાત્મિક યાત્રાનો ભાગ બનવા માંગે છે.

રશિયાથી આવેલાં શ્રદ્ધાળુઓએ કહ્યું કે, અમે પહેલીવાર કુંભમેળામાં આવ્યાં છીએ અને ખૂબ જ ઉત્સાહિત છીએ.  અહીં તેઓને વાસ્તવિક ભારત જોવા મળ્યું છે, ભારતની અસલી તાકાત તેનાં લોકો છે. તેમણે કહ્યું કે  હું અહીંનાં લોકોની ઉર્જા અને આ પવિત્ર સ્થળની આભાથી રોમાંચિત છું.  હું ભારતને પ્રેમ કરું છું, મારું ભારત મહાન છે !

જેરેમી સાત વર્ષથી સનાતન ધર્મનું પાલન કરે છે
સાત વર્ષથી સનાતન ધર્મનું પાલન કરતાં જેરેમીએ માતા ગંગા અને માતા યમુનાના દર્શન કરી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં તર્ક છે, તે સમજી શકાય તેવું છે. તેમાં આસ્થા છે, પણ અંધશ્રદ્ધા નથી. તે ખૂબ જ સુંદર છે.

મારા જીવનમાં ક્યારેય આવું લાગ્યું નથી: ક્લાઉડિયા
પોલેન્ડથી આવેલી ભક્ત ક્લાઉડિયાએ કહ્યું કે હું અહીં આવીને ખૂબ જ ખુશ છું. મેં ક્યારેય એવું અનુભવ્યું ન હતું, ક્યારેય વિચાર્યું ન હતું કે મને જીવનમાં આવો અનુભવ થશે. તેમણે કહ્યું કે હું પણ સ્નાન કરીશ.

જોસ તેનાં મિત્રો સાથે કુંભ પહોંચ્યો
સ્પેનનો જોસ તેનાં મિત્રો સાથે આ આધ્યાત્મિક યાત્રા પર છે. જોસે કહ્યું કે સ્પેન, બ્રાઝિલ, પોર્ટુગલથી ઘણાં મિત્રો અહીં આવ્યાં છે, અમે આધ્યાત્મિક યાત્રા પર છીએ. મેં પવિત્ર ડૂબકી લગાવી અને તેનો ખૂબ આનંદ લીધો, હું ખૂબ નસીબદાર છું. તેમણે કહ્યું કે, તેઓ સાથે મળીને આ આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કરી રહ્યાં છે અને આનાથી તેમને નવી ઉર્જા અને શાંતિ મળી રહી છે.

હું છેલ્લાં 40 દિવસથી ભારતમાં છું : મંજરીકા 
ઓસ્ટ્રેલિયાથી આવેલી ભક્ત મંજરીકાએ જણાવ્યું કે હું છેલ્લાં 40 દિવસથી ભારતમાં છું.  જ્યારે હું ભારત આવી ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું કોઈપણ ભોગે મહાકુંભ મેળામાં ચોક્કસ ભાગ લઈશ, કારણ કે તે પોતાનામાં એક અદભુત અનુભવ હતો. આ પ્રકારનો અનુભવ હંમેશાં મળતો નથી. હું સ્નાન કરીશ. આ પ્રકારનો અનુભવ જોઈને મને ખૂબ આનંદ થયો છે. હું વ્યવસાયે યોગ શિક્ષક છું.

જોનાથન અમૃત સ્નાન કરવા આવ્યો 
પહેલીવાર ભારત આવેલાં વિદેશી ભક્ત જોનાથને કહ્યું કે તેનો અનુભવ ’ખૂબ સારો’ હતો. તેમણે કહ્યું કે અહીંનાં લોકો ખૂબ જ સુંદર છે, ભોજન અદ્ભુત છે અને હું તીર્થસ્થળો અને મંદિરો જોઈને અભિભૂત થઈ ગયો છું. મારે અમૃત સ્નાન કરવું છે. આ ખૂબ જ રોમાંચક છે.