લોગ વિચાર :
કદાચ આ મહાકુંભના અભાવનો પ્રભાવ છે કે પુરી દુનિયામાં ધન, યશ અને ઐશ્વર્યનો પર્યાય બનેલા દેશ-દુનિયાના ખર્વોપતિ પણ કુંભમેળાથી દુર નથી. આ ખર્વોપતિમાં કોઈ અહી આવીને પુણ્ય એકઠુ કરી રહ્યા છે. તો કોઈ સંતો-શ્રધ્ધાળુઓની સેવા કરીને પોતાનું જીવન ધન્ય માની રહ્યા છે.
આ ક્રમમાં 22-23 જાન્યુઆરીએ જયાં નવીન જિંદાલ પરિવાર ભારતીય ધર્મ સંઘની શિબીરમાં આવનાર છે. ત્યારે હિન્દુજા પરિવાર મૌની અમાસે અમૃત સ્નાન નિહાળવા આવશે આમ મહાકુંભે ખર્ચપતિઓનું પણ ધ્યાન ખેંચ્યુ છે.
મુકેશ અંબાણી બનાવી રહ્યા છે ‘કેમ્પા-આશ્રમ’
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની મહાકુંભમાં કેમ્પા આશ્રમ બનાવવા જઈ રહી છે. આ વિશ્રામ સ્થળોમાં શ્રધ્ધાળુ આરામ, જલપાન કરી શકશે. રિલાયન્સ કુંભ ક્ષેત્રમાં તીર્થયાત્રીઓની સહાયતાને સ્પષ્ટ અને સરળતાથી વાંચી શકાય તેવા સાઈન બોર્ડ અને દિશાસુચન બોર્ડ લગાવી રહ્યા છે. દુનિયાના સૌથી મોટા આધ્યાત્મિક સમાગમોમાં પૈકી એક મહાકુંભમાં સેવા કાર્યો કરવાને કંપની સૌભાગ્ય માની રહી છે.
સનાતનની શરણે સ્ટીવ જોબ્સની પત્નિ લોરેન:
15.8 બીલીયન ડોલરની સંપતીની માલીક અને એપ્પલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્નિએ મહાકુંભમાં ખૂબ જ પ્રસિધ્ધિ મેળવી હતી. નિરંજની અખાડાનાં આચાર્યા મહામંડલેશ્ર્વર સ્વામી કૈલાશનંદ ગીરીની શિબીરમાં ચાર દિવસનાં પ્રવાસ દરમ્યાન લોરેન આધ્યાત્મિક ક્રિયાકાંડોમાં સામેલ રહી હતી અને તેણે પોતાના ગુરૂ પાસેથી દીક્ષા પણ લીધી હતી.
નિ:શુલ્ક ભોજન વિતરણમાં મદદ કરી રહ્યું છે અદાણી:
ગૌતમ અદાણી આ મહાકૂંભમાં ગીતા પ્રેસ ગોરખપુરનાં સહયોગથી આરતી સંગ્રહની નકલો નિ:શુલ્ક વિતરણ કરાવી રહ્યા છે. ઈસ્કોનનાં સહયોગથી મેળા ક્ષેત્રમાં 50 લાખ શ્રધ્ધાળુઓ માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરાવી રહ્યા છે. તેમણે સોશ્યલ મિડિયા એકસ પર લખ્યુ છે કુંભ સેવાનું એક પવિત્ર સ્થાન છે જેમાં દરેક ભકત સેવામાં સામેલ થાય છે.
અદાણી જુથ તરફથી સેકટર 19 પાસે ઈસ્કોન મંદિરમાં 40 ગોલ્ફ કાર્ટ નિ:શુલ્ક આપવામાં આવી છે. જેથી પગપાળા ચાલવામાં અસમર્થ લોકોને સંગમ સ્થળ સુધી પહોંચવામાં સરળતા રહે.
મહાકુંભનું વિશેષ સ્થાન: આનંદ મહિન્દ્રા:
મહિન્દ્રા સમુહનાં અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ સોશ્યલ મિડિયા મહાકુંભમાં જોડાયેલ પોતાના 48 વર્ષનાં જુના અનુભવને શેર કર્યો છે.તેમણે લખ્યુ કે મહાકુંભ માટે તેમના દિલમાં ખાસ જગ્યા છે. આનંદ મહિન્દ્રાએ વર્ષ 1977 માં પોતાની થિસીસ ફિલ્મ યાત્રાનું શુટીંગ કર્યું હતું તેમણે કહ્યું હતું કે કુંભમાં સામેલ થનારાની સંખ્યા જોઈને મગજ ચકરી ખાય જાય છે.
મહાકુંભમાં ભાવ, ભજન અને ભંડારા
મેળાક્ષેત્રમાં ઠેર ઠેર રામકથાની ધૂમ: ઈસ્કોન પંડાલમાં યુવાઓ દ્વારા કૃષ્ણ ગાન
પ્રયાગરાજ: મહાકુંભમાં વહેલી સવારે લોકો ભજન, આરતી ગાઈ રહ્યા છે. સેકટર-5માં જૂના અખાડામાં પૂજા થઈ રહી છે. નદી કિનારે દુકાનોમાં કયાંક ફુલમાળા વેચાઈ રહી છે તો લોકો કંઠીમાળા પણ વેચી રહ્યા છે. અહીં ફુડ કોર્ટ પણ છે, જયાં પૈસા ખર્ચીને પેટ પૂજા થઈ શકે છે તો નિર્વાણી અખાડા તરફથી ચા અને પ્રસાદનું વિતરણ થાય છે.
પુરા મેળા ક્ષેત્રમાં ભજન અને કીર્તન અને રામકથાની ધૂમ છે. 10થી વધુ રામકથા મેળા ક્ષેત્રમાં ચાલે છે. સેકટર-6માં રામભદ્રાચાર્યના આશ્રમમાં તેઓ ખુદ રામકથા સંભળાવી રહ્યા છે. ઈસ્કોન પંડાલની બહાર યુવાનોની ટીમ કૃષ્ણના ભજન ગાઈ રહી છે.