લોગ વિચાર :
મહાકુંભમાં મૌની અમાસે તા.29મી જાન્યુઆરીએ બીજુ કુંભસ્નાન છે, ત્યારે આ સ્નાન માટે પ્રયાગરાજ પહોંચવા દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી રહ્યો છે. પરીસ્થિતિ એ છે કે, લખનૌથી પ્રયાગરાજ જવા માટે વિમાનનું ભાડુ બેન્કોકના ભાડા કરતા પણ વધી ગયું છે. 28 જાન્યુઆરીએ લખનૌથી પ્રયાગરાજની ફલાઈટના બુકીંગમાં ભાડુ 10742 રૂપિયા છે જયારે બેન્કોકનું ભાડુ 10435 રૂપિયા છે.
હાલ રાત્રે પણ પ્રયાગરાજમાં ઉતરી રહ્યા છે વિમાન
11 જાન્યુઆરીએ પ્રયાગરાજ એરપોર્ટ પર રાત્રે વિમાન લેન્ડ થયું હતું અને અહીંથી ઉડાન ભરી હતી. વર્ષ 1919માં બમરોલી એરપોર્ટ (તત્કાલીન અલાહાબાદ) બન્યુ અને અહીંથી 1932 સુધી લંડન માટે સીધી ફલાઈટ જતી હતી.
1941 થી 2003 સુધી એર સહારાએ ઉડાન શરૂ કરી હતી, જે 2005 સુધી ચાલી. કુંભ 2019ના આગમન સાથે અહીં સિવિલ એરપોર્ટની જરૂરિયાતને જોઈને નવું ટર્મિનલ બનાવાયું હતું. અત્યાર સુધી પ્રયાગરાજ એરપોર્ટથી 26 શહેરો માટે ઉડાનો મોજૂદ છે.
પ્રથમ સ્નાન પર જ રેકોર્ડબ્રેક વિમાન યાત્રાઓ
પ્રયાગરાજ એરપોર્ટ પર મકર સંક્રાંતિ સ્નાન પર્વના દિવસે 5250 યાત્રીઓએ વિમાન યાત્રા કરી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 38 ફલાઈટનું આવન-જાવન થયું હતું.
જેમાં દિલ્હી, દહેરાદૂન અને બિલાસપુરની ફલાઈટ પુરેપુરી ફુલ રહી હતી. 13 જાન્યુઆરીએ 4252 યાત્રીઓએ સફર કરી હતી. 29મી જાન્યુઆરીએ મૌની અમાસના અવસર મહાકુંભમા 8થી10 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. તેમાં વિમાન યાત્રા કરનારાઓની સંખ્યા પણ વધુ રહેવાની સંભાવના છે.
કેટલું ભાડુ વધ્યું
દિલ્હીથી પ્રયાગરાજના વિમાન ભાડામાં 21 ટકાનો વધારો થયો છે. મુંબઈથી પ્રયાગરાજમાં 13 ટકા, બેંગ્લુરુથી પ્રયાગરાજમાં 89 ટકા અને અમદાવાદથી પ્રયાગરાજમાં 41 ટકા ભાડા વધારો થયો છે.