એસએસ રાજામૌલીની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોવા મળી શકે

લોગ વિચાર :

પ્રિયંકા ચોપરા જોનાસ એસએસ રાજામૌલીની ફિલ્મ ’SSMB29’માં મહેશ બાબુ સાથે કામ કરવા માટે તૈયાર છે. પ્રિયંકા તાજેતરમાં હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળી હતી અને હવે તે ફિલ્મનાં સેટની મુલાકાત લેવા ટોરોન્ટોથી દુબઈ આવીને તેણે હૈદરાબાદની ફ્લાઈટ લીધી અને તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

અભિનેત્રીએ ફક્ત ‘ઓમ’ ઇમોટિકોન સાથે વિડિયોનું કેપ્શન આપ્યું હતું અને એસએસ રાજામૌલીની ફિલ્મ ’RRR’ના એક ગીતનો ઉપયોગ કર્યો હતો, જેનાં કારણે ફિલ્મની ચર્ચા વધુ વધી છે. વિડિયોમાં પ્રિયંકાએ માત્ર લાંબી ફ્લાઇટ દરમિયાનના દ્રશ્યો જ દર્શાવ્યાં નથી પરંતુ ફિલ્મ નિર્માતાના અગાઉનાં પ્રોજેક્ટના એક ગીત સાથે ચાહકોને હિંટ પણ આપી હતી.

ફિલ્મ વિશે વાત કરીએ તો, SSMB29ને એક મોટી ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે અને તેમાં મહેશ બાબુની સાથે પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને લઈને ચાહકોમાં પહેલેથી જ ઉત્સાહ છે.

જો કે આ ફિલ્મમાં તેની ભૂમિકા વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. ચાહકો ઉત્સાહિત છે કારણ કે આ માત્ર પ્રિયંકાની ભારતીય સિનેમામાં વાપસી નથી પરંતુ તે મહેશ બાબુ સાથે પણ પહેલીવાર જોડી બનાવશે.

’SSMB29’ ફિલ્મ
અહેવાલો અનુસાર, SSMB29 બે ભાગમાં બનાવવામાં આવી શકે છે અને વર્ષ 2027 અને 2029માં રિલીઝ થઈ શકે છે. તે રૂ. 900 થી રૂ. 1000 કરોડના બજેટ સાથે બનાવવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, પ્રિયંકા એસએસ રાજામૌલી સાથે છ મહિનાથી વધુ સમયથી વાતચીત કરી રહી હતી.