Republic Dayની પરેડમાં પહેલીવાર પ્રલય મિસાઇલ અને પિનાકા રોકેટ સિસ્ટમ જોવા મળશે

લોગ વિચાર :

દેશની રાજધાનીમાં ગણતંત્ર દિવસની પરેડની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સ્ટ્રેટેજિક બેલિસ્ટિક મિસાઈલ પ્રલય અને લોંગ રેન્જ પિનાકા રોકેટ સિસ્ટમ પ્રદર્શિત કરવામાં આવશે. તે સ્વદેશી રીતે વિકસિત સિસ્ટમો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રથમ વખત હશે જ્યારે સપાટીથી સપાટી પર પ્રલય મિસાઈલને પરેડમાં સામેલ કરવામાં આવશે.

500 કિમીની રેન્જ ધરાવતી પ્રલય મિસાઈલ દુશ્મન લક્ષ્યો પર હુમલા માટે છે. આ મિસાઈલને ચીનની સરહદ પર તૈનાત કરવામાં આવી છે. પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર એક સ્વદેશી રોકેટ સિસ્ટમ છે. તેની ઘણી સિસ્ટમ સેના સાથે કામ કરી રહી છે. આર્મેનિયા સાથે નિકાસ ઓર્ડર પહેલેથી જ પૂર્ણ થઈ ગયો છે. રોકેટની રેન્જને 75 કિલોમીટર અને પછી 150 કિલોમીટર સુધી વધારવાના પ્રયાસો ચાલું છે.

ઈન્ડોનેશિયાના પ્રમુખ મુખ્ય અતિથિ
આ વર્ષની ઇવેન્ટના મુખ્ય અતિથિ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયનોના માનમાં ઇન્ડોનેશિયન સૈનિકોની કૂચ કરતી ટુકડી પણ પરેડમાં સામેલ થશે. સંરક્ષણ સચિવ આર.કે.સિંહે જણાવ્યું હતું કે તેમાં 160 સભ્યોની ઇન્ડોનેશિયાની સૈન્ય ટુકડી અને 190 સભ્યોની બેન્ડ ટુકડી સામેલ હશે.પરેડમાં વિવિધ રાજ્યો, મંત્રાલયો અને સુરક્ષા દળોની 18 માર્ચિંગ ટુકડીઓ, 15 બેન્ડ અને 31 ઝાંખીઓ સામેલ થશે. જેમાં બિહાર, ગોવા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને પંજાબ સહિત અનેક રાજ્યોમાંથી ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. આ વર્ષે પરેડ જોવા માટે કુલ 77000 લોકો હાજર રહેશે. તેમાં સરકાર દ્વારા પસંદ કરાયેલાં 10000 વિશેષ આમંત્રિતોનો પણ સમાવેશ થશે.