લોગ વિચાર :
આજકાલ મોટા લોકો જ નહીં પણ નાના બાળકો પણ ખૂબ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ વાતની જાણ એનુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટમાં સામે આવી છે. ASER ૨૦૨૪ રિપોર્ટ અનુસાર, ભારતમાં ૧૪થી ૧૬ વર્ષના લગભગ ૮૨.૨ ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તેમાંથી ૫૭ ટકા બાળકો તેનો ઉપયોગ અભ્યાસ સાથે જોડાયેલી પ્રવૃત્તિ માટે કરે છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સર્વેમાં સામેલ ૭૬ ટકા બાળકોએ માન્યું કે, તે ફોનનો ઉપયોગ સોશિયલ મીડિયા માટે કરે છે. આ સર્વેમાં દેશના ૧૭૯૯૭ ગામડામાંથી ૬,૪૯,૪૯૧ બાળકોને સામેલ કર્યા હતા. સર્વેમાં સામેલ ૯૦ ટકા બાળકોએ જણાવ્યું કે, તેમની પાસે ઘરમાં સ્માર્ટફોન છે. જ્યારે ૮૨.૨ ટકાએ કહ્યું કે, તેઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું જાણે છે. તેમાંથી ૮૫.૫ ટકા છોકરા અને ૭૯.૪ ટકા છોકરીઓ છે.
પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશને જણાવ્યું કે, આ પહેલી વાર હતું કે ASERમાં ૧૪થી ૧૬ વર્ષની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખતા ડિજિટલ લિટરેસી પર એક સેક્શન સામેલ કર્યું હતું. આ સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે છોકરીઓથી વધારે છોકરા સેફ્ટી ફીચર વિશે જાણે છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ૬૨ ટકા બાળકોએ કહયું કે, તેમને કોઈ પ્રોફાઈલને બ્લોક કરવા અથવા રિપોર્ટ કરવાની રીત ખબર છે. જ્યારે ફક્ત ૫૫.૨ ટકા બાળકો જ જાણે છે કે પ્રોફાઈલને પ્રાઈવેટ કેવી રીતે કરવી. આ ઉપરાંત ૫૭.૭ ટકા જાણે છે કે પાસવર્ડ કેવી રીતે બદલવો. સર્વેમાં સામેલ બાળકોની ડિજિટલ લિટરેસી ચેક કરવા માટે તેમને ત્રણ ટાસ્ટ આપ્યા હતા. જેમાં એલાર્મ સેટ કરવું, વિશિષ્ટ જાણકારી સર્ચ કરવી અને એક યૂટયૂબ ચેનલ સર્ચ કરવાનું સામેલ હતું. મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેને શેર કરવાનું પણ સામેલ હતું. સર્વે અનુસાર, ૩/૪થી વધારે બાળકોએ આ ટાસ્ટ સફળતાપૂર્વક પુરો કર્યો. રિપોર્ટ અનુસાર, જે યૂટયૂબ પર વીડિયો સર્ચ કરી શકતા હતા, તેમાંથી ૯૦ ટકાથી વધારે બાળકો તેને શેર કરવાનું પણ જાણતા હતા.