ગર્લફ્રેન્ડને પ્રભાવિત કરવા માંગતા હોય, તો આ ભાઈ ભાડું લઈને ખલનાયક બનીને માર ખાશે

લોગ વિચાર :

મલયેશિયામાં ગર્લફ્રેન્‍ડને ઇમ્‍પ્રેસ કરવા માટે એક નવી સર્વિસ શરૂ થઈ છે, જેમાં હિન્‍દી ફિલ્‍મોની જેમ ગુંડો ભાડા પર મળી શકે છે. ૨૮ વર્ષના શાઝલી સુલેમાને ‘વિલન ફોર હાયર' સર્વિસ શરૂ કરી છે. સુલેમાને સોશ્‍યલ મીડિયામાં જે જાહેરાત આપી છે એમાં લખ્‍યું છે કે શું તમારો પાર્ટનર એવું વિચારે છે કે તમે નબળા છો? નજીવી ફી સાથે હું તમારી મદદ કરી શકું છું અને તેમને ખોટા પાડી શકું છું. તેણે હોઠ પર સળગાવ્‍યા વિનાની સિગારેટ સાથેનો છૂટા વાળ ધરાવતો પોતાનો ફોટોગ્રાફ જાહેરાત સાથે મૂકયો છે. સર્વિસ વિશેની જાણકારીમાં જણાવવામાં આવ્‍યું છે કે તમે કહેશો એ સ્‍થળે તે આવી જશે અને તમારા પાર્ટનરને હેરાન કરશે; પછી તમે આવીને મારી સામે હીરોની જેમ લડો, હું હારી જઈશ. આ માટે સામાન્‍ય દિવસોમાં ૧૦૦ રિંગિટ (આશરે ૧૯૭૫ રૂપિયા) અને વીક-એન્‍ડમાં ૧૫૦  રિંગિટ (આશરે ૨૯૬૩ રૂપિયા) ચાર્જ લેવામાં આવશે.

આ સર્વિસ છોકરાઓ માટે જ નહીં, પણ છોકરીઓ માટે પણ ઉપલબ્‍ધ છે. સુલેમાને કહ્યું છે કે આ ફાઇટ વર્લ્‍ડ રેસલિંગ એન્‍ટરટેઇનમેન્‍ટ જેવી હશે, જેમાં હું લૂઝર (હારેલો) રહીશ. તેની આ પોસ્‍ટને ઘણી લાઇક્‍સ મળી છે અને ઘણાએ કમેન્‍ટ્‍સ પણ કરી છે. ઘણા લોકોએ આ પોસ્‍ટ સાચવી રાખીને ભવિષ્‍યમાં ઉપયોગમાં લઈશું એમ પણ કહ્યું છે.