Kumbh Mela સમાપન પહેલા જ 42 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું

લોગ વિચાર :

મહાકુંભમાં અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ શ્રધ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી લીધી છે. હજુ મહાકુંભ પૂરો થવાને 19 દિવસ બાકી છે. મહાકુંભ પૂરો થાય ત્યાં સુધીમાં ડુબકી લગાવનારાઓનો આંકડો 50 કરોડને પાર કરી જવાની સંભાવના છે.

ગઈકાલે શુક્રવારે સવારે 10 વાગ્યા સુધીમાં 42.7 કરોડ લોકો ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી ચૂકયા હતા. પ્રયાગરાજમાં ત્રણેય અમૃત સ્નાન પર્વ-મકર સંક્રાંતિ, મૌની અમાસ અને વસંત પંચમી બાદ પછી પણ શ્રધ્ધાળુઓ અને સ્નાનાર્થીઓના જોશ અને ઉત્સાહમાં કોઈ કમી નથી આવી. દરરોજ લાખો લોકો દેશ-વિદેશથી તીર્થરાજ પહોંચી રહ્યા છે.

વસંત પંચમીના અંતિમ અમૃત સ્નાન પર્વ પછી પણ કરોડો શ્રધ્ધાળુઓ સંગમમાં સ્નાન માટે પહોંચી રહ્યા છે. સ્નાનાર્થીઓમાં 10 લાખ કલ્પવાસીઓની સાથે સાથે દેશ વિદેશથી આવેલા સાધુ સંતો શ્રધ્ધાળુઓ સામેલ હતા.

મૌની અમાસે સર્વાધિક 8 કરોડ શ્રધ્ધાળુઓનું સ્નાન
અત્યાર સુધીના સ્નાનાર્થીઓનું વિશ્લેષણ કરીએ સર્વાધિક 8 કરોડ શ્રધ્ધાળુઓએ મૌની અમાસે સ્નાન કર્યુ હતું. જયારે 3.5 કરોડ શ્રધ્ધાળુઓએ મકર સંક્રાંતિના પર્વે અમૃત સ્નાન કર્યુ હતું. એક ફેબ્રુઆરી અને 30 જાન્યુઆરીએ બે બે કરોડને પાર અને પોષ પૂર્ણિમાએ 1.7 કરોડ શ્રધ્ધાળુઓએ પુણ્યની ડુબકી લગાવી હતી. આ ઉપરાંત વસંત પંચમીએ 2.57 કરોડ શ્રધ્ધાળુઓએ ત્રિવેણીમાં આસ્થાની ડુબકી લગાવી હતી.

વડાપ્રધાન મોદી સહિતની હસ્તીઓએ કુંભ સ્નાન કર્યુ
મહાકુંભમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (મંત્રી મંડળ સહિત) સંગમમાં ડુબકી લગાવી ચૂકયા છે. રાજયપાલ આનંદીબેન પટેલ, હરિયાણાના સીએમ નાયબસિંહ સૈની, મણીપુરના સીએમ એન.બિરેનસિંહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના નામો પણ લીસ્ટમાં છે.

બોલિવુડની હસ્તીઓએ પણ કુંભસ્નાન કર્યુ
સાંસદ એકટ્રેસ હેમામાલિની, ભોજપુરી એકટર સાંસદ રવિકિશન, પૂર્વ સાંસદ દિનેશલાલ યાદવ, નિરહુઆ, બોલીવુડ એકટ્રેસ ભાગ્યશ્રી, એકટર અનુપમ ખેર, મિલીંદ સોમલા સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ સંગમમાં સ્નાન કરી ચૂકયા છે.

આ ઉપરાંત ઓલમ્પીક મેડલીસ્ટ સાઈના નેહવાલ, એકટ્રેસ મમતા કુલકર્ણી કવિ કુમાર વિશ્વાસ, ક્રિકેટર સુરેશ રૈના, આંતરરાષ્ટ્રીય રેસલર ખલી, કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા, બોલીવુડ એકટ્રેસ ઈશા ગુપ્તા, વગેરે કુંભસ્નાન કરી ચૂકયા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10મી ફેબ્રુઆરીએ પવિત્ર ડુબકી લગાવશે. આગામી 10મી ફેબ્રુઆરીએ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંગમમાં શ્રધ્ધાની ડુબકી લગાવશે.