લોગ વિચાર :
દેશમાં સરકારી-જાહેર ક્ષેત્રની કચેરી એજન્સીઓને સાંકળતા નીતનવા કૌભાંડો બહાર આવતા જ હોય છે. ત્યારે હવે એક નવતર કૌભાંડનો ખુલાસો થયો છે. મરણ પથારીએ રહેલી વ્યકિતનાં વીમા ઉતારીને કરોડોનું મહાકૌભાંડ આચરાયુ છે. આ સમગ્ર કારસ્તાન દેશના આઠ રાજયોમાં પથરાયેલુ હોવાનું અને તેમાં વીમા કંપનીઓથી માંડીને સરકારી કર્મચારીઓની સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે.
પોલીસ દ્વારા સંભાલનાકા પરથી પસાર થતી એસયુવી કારમાંથી બે શખ્સોને લાખો રૂપિયાની રોકડ તથા 19 ડેબીટ કાર્ડ સાથે પકડવામાં આવ્યા હતા અને તેમાં આ સમગ્ર સનસનીખેજ કૌભાંડનો ખુલાસો થયો હતો અને તે સાંભળીને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.
સમગ્ર કૌભાંડની તપાસ સાથે સંકળાયેલા સીનીયર પોલીસ અધિકારીએ કહ્યું કે સંભાલ નાકેથી પકડાયેલા બે શખ્સો પૈકી ઉતરપ્રદેશનાં વારાણસીનો ઓમકારેશ્વર મિશ્રા દિલ્હીની ઈસ્ટ નામની કંપનીમાં ઈન્વેસ્ટીગેટર તરીકે ફરજ બજાવે છે.
જે વિવિધ વીમા કંપનીઓ વતી દાવાની ખરાઈ કરવાની કામગીરી કરે છે. વીમાધારકનાં મૃત્યુના કિસ્સામાં થતા દાવાનું વેરીફીકેશન કંપની કરે છે. પરંતુ તેઓ આવા કિસ્સામાં કૌભાંડ કરતી હોવાનું માલુમ પડયુ હતું.
તપાસમાં એવુ ખુલ્યુ છે કે, મરણ પથારીએ હોય અથવા કેન્સર-કિડની જેવી બિમારીમાં આખરી સ્ટેજ ધરાવતા હોય અથવા પથારીવશ વૃદ્ધ હોય તેવા દર્દીના પરિવારનો એજન્ટો સંપર્ક કરે છે અને જીવન વીમો ઉતરાવવા માટે ફોસલાવી લે છે તેમના મોત બાદ પરિવારને વીમાની મોટી રકમ મળવાની લાલચ આપે છે.
કેટલાંક કિસ્સામાં તો પ્રારંભિક પ્રિમીયમ ચુકવી દેવાની પણ તૈયારી બતાવે છે. દર્દી વીમાધારકના મૃત્યુના કિસ્સામાં દાવાની મોટાભાગની રકમ એજન્ટો જ હજમ કરી જાય છે કારણ કે પરિવારને વીમાની સાચી રકમ વિશે પણ જાણ હોતી નથી. આઘાતજનક બાબત એ છે કે મૃત લોકોનાં નામે પણ વીમા ઉતરાવીને પણ આ ગેંગ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યુ હતું.
બેંકોમાંથી વ્યકિતની માહીતી તફડાવી લેવાયા બાદ ગ્રામ પંચાયતનાં સરપંચ-મંત્રીને સાધીને તેના મારફત ડેથ સર્ટીફીકેટમાં ચેડા કરીને બોગસ દસ્તાવેજોનાં આધારે વીમા પોલીસી બનાવીને વીમાનો દાવો કરવામાં આવે છે.
આ પ્રકારનો એક કેસ આગ્રામાંથી મળ્યો છે. 2020 માં મૃત્યુ પામેલ વ્યકિતનું ડેથ સર્ટીફીકેટ 2023 માં ઈસ્યુ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતે તે ઈસ્યુ કર્યું હતું.મરણનો સમય 2020 ને બદલે 2023 દર્શાવવામાં આવ્યો હતો.
પોલીસે તપાસના ભાગરૂપે વીમા દાવા ધરાવતા કેટલાંક પરિવારોનો સંપર્ક કર્યો હતો જયારે આ પરિવારોને જીવન વીમા લેવાયા વિશે કોઈ જાણ જ નથી.એટલુ જ નહિં 80 ટકા પરિવારોને વીમા પેટે કોઈ નાણાં જ મળ્યા ન હતા.
તપાસનીસ પોલીસ દ્વારા કેસની તપાસમાં નિલમદેવી નામની આશાકવર્કરની પુછપરછ કરતા કૌભાંડમાં સંડોવણીની કબુલાત આપી હતી તેણીએ કહ્યું કે મૃતક પરિવારને સહાય આપવાનો દાવો રજુ કરીને બે શખ્સોએ પોતાની પાસેથી આરોગ્ય વિભાગનાં ડેટા મેળવ્યા હતા. તેઓએ સરકારના જ કર્મચારીની ઓળખ આપી હતી. દરેક ડેટા દીઠ મને રૂા.5000 આપ્યા હતા. જોકે, ડેટાનું તેઓએ શું કર્યું તેની જાણ નથી.
પોલીસને શંકા છે કે, વેરીફીકેશન એજન્સીઓ મારફત જ કૌભાંડ થયા છે અને તે ઉતર પ્રદેશ ઉપરાંત ઉતરાખંડ, ઝારખંડ, મધ્યપ્રદેશ, બિહાર, આસામ તથા દિલ્હીમાં પણ પથરાયેલુ હતું. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 10 વીમા કંપનીઓને નોટીસ ફટકારવામાં આવી છે.
તેમાંથી પાંચ કંપનીઓનાં બે વર્ષનાં જ 1600 વીમા દાવા શંકાસ્પદ માલુમ પડયા છે મોટાભાગનાં દાવામાં વીમા લીધાના મહિનાઓમાં જ હૃદયરોગથી મૃત્યુના કારણ દર્શાવાયા છે.
10 વીમા કંપનીઓને નોટીસ: સેંકડો શંકાસ્પદ દાવા પકડાયા
વીમા કૌભાંડમાં ટોચની કંપનીઓને પણ કરોડોનો ચૂનો લગાવવામાં આવ્યાનું બહાર આવ્યું છે. એસબીઆઈ લાઈફમાંથી માત્ર ઉતરપ્રદેશનાં 7 કરોડના શંકાસ્પદ દાવા મંજુર કરાયા બાદ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સીયલ લાઈફમાંથી 4.5 કરોડ કેનેરા એચએસબીસી લાઈફ ઈનસ્યોરન્સમાંથી 7 કરોડના શંકાસ્પદ દાવા ચુકવાયા હતા. ઈન્ડીયા ફર્સ્ટ લાઈફ ઈુસ્યુરન્સમાંથી 10 કરોડની ચુકવણી થઈ છે.
એડીશ્નલ પોલીસ સુપ્રિટેન્ગડેન્ટ અનુકૃતિ શર્માએ કહ્યું કે 10 વીમા કંપનીઓને નોટીસ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં પાંચ કંપનીનાં બે વર્ષના ડેટા મળ્યા છે. તેની ચકાસણીમાં 1600 શંકાસ્પદ દાવા હોવાનું ધ્યાને આવ્યું છે. આ મોટાભાગનાં કિસ્સામાં વીમા ઉતારાયાના અમુક મહિનામાં જ વ્યકિતના મૃત્યુ દર્શાવાયા છે અને તમામમાં કારણ હાર્ટએટેક છે.
ગેંગની મોડસ ઓપરેન્ડી
* મરણ પથારીએ અથવા પથારીવશ હોય અથવા કેન્સર-કિડનીની લાસ્ટ સ્ટેજની બિમારી ધરાવતા વ્યકિતની માહીતી ગામોના સરપંચ-તલાટીમંત્રી-આશાવર્કર મારફત એકત્રિત કરાય છે
* તબીબી ખર્ચમાં સહાયની વાત કરીને વીમા ઉતરાવવા ફોસલાવાય છે અને લાલચરૂપે પ્રારંભિક પ્રિમીયમ ભરી દેવાય છે
* મૃત વ્યકિતનાં ડેથ સર્ટીફીકેટ મેળવીને વારસદારની બેંક વિગત મેળવીને ગેંગ વીમા દાવો રજુ કરે છે.
* વીમા વેરીફીકેશન એજન્ટો સાથે સાંઠગાંઠ કરીને દાવા મંજુર કરાય છે.
* વીમાધારકનાં પરિવારને નાણાં આપવાનાં બદલે એજન્ટો જ નાણા હજમ કરી જાય છે
* બનાવટી દસ્તાવેજોના આધારે મૃત વ્યકિતના પણ વીમા ઉતરાવીને નાણાની ઉચાપત કરાય છે.