Mahakumbh : ફરી 'મહાભી' : 300 કિમી વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ : સંગમ સ્ટેશન 14 ફેબ્રુઆરી સુધી બંધ

લોગ વિચાર :

દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળાવડા એવા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં વધુ એક વખત મહાભીડને કારણે હાલત બેકાબૂ બનતા દુનિયાનો સૌથી મોટો 300 કીમીનો અભૂતપૂર્વ ટ્રાફીક જામ સર્જાયો છે. વાહનોને અધવચ્ચે જ રોકી દેવામાં આવતા કલાકો સુધી ફસાયેલા શ્રદ્ધાળુઓને ખાવા પીવાના સાંસા પડયા છે અને 20-25 કીમી પગપાળા જવાની નોબત આવી છે. અભૂતપૂર્વ ભીડને કારણે સંગમ સ્ટેશન 14 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.

મહાકુંભમાં રવિવારથી ફરી માનવ મહાસાગર ઉમટી પડયો હતો અને લાખો-કરોડો શ્રદ્ધાળુઓ ઉમટતા મહાભીડની હાલત સર્જાઈ હતી. સંગમ સ્ટેશને મોટી ભીડને પગલે કંટ્રોલરૂમને એલર્ટ કરાયો હતો અને તાત્કાલીક સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યુ હતું. 14મી સુધી સ્ટેશન બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

યાત્રાળુઓને પ્રયાગરાજ જંકશન, કાકામઉ તથા પ્રયાગ સ્ટેશન મોકલવાની જાહેરાત કરવામાં આવી હતી. મહાકુંભના તમામ માર્ગો હકડેઠઠ થયા હતા. પોલીસ દ્વારા ડાઈવર્ઝન પ્લાન લાગુ કરીને અન્ય 44 ઘાટો પર લોકોને મોકલવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. ભીડને અંકુશમાં લેવામાં તંત્રને પરસેવો છુટ્ટી ગયો હતો.

મહાભીડને ધ્યાને રાખીને પાડોશી રાજયોમાં પણ તંત્રોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાંથી જ વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતા. પરિણામે વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવે સહિતના માર્ગો પર 200થી300 કીમી સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા.

મધ્યપ્રદેશના જુદા-જુદા જીલ્લાઓમાં વાહનોને રોકી દેવાયા હતા. સોમવાર સુધી વાહનોને આગળ નહીં જવા દેવાય તેવી જાહેરાત કરીને પોલીસે સુરક્ષિત સ્થાનો એ શરણ લેવા માર્ગદર્શિકા જાહેર કરી હતી. કતની, જબલપુર, મૈહાર તથા રેવા જીલ્લામાં હજારોની સંખ્યામાં કાર, ટ્રક, બસ સહિતના વાહનો ખડકાઈ ગયા હતા.

મધ્યપ્રદેશના કતનીથી ઉતરપ્રદેશ બોર્ડર સુધીના 250 કીમીના માર્ગ પર વાહનના ખડકલા હતા. વહીવટીતંત્રના સૂત્રોએ કહ્યું કે વાહનો તથા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારે જ થઈ રહ્યો હતો.

મહાજામની સ્થિતિ નિવારવા માટે ટ્રાફિક ઉપરાંત અર્ધસૈનિક દળોને પણ તૈનાત કરાયા હતા. કલાકોથી અટવાયેલા લોકોને ભોજન સહિતની વ્યવસ્થા માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડયો છે.

બારસના શુભ યોગને કારણે શ્રધ્ધાળુઓ ઉમટયા
મહા મહિનાની બારસે ચંદ્રમાં મિથુત રાશીમાં હોવાના શુભ સંયોગને કારણે રવિવારે સંગમ સ્નાન માટે લાખો-કરોડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. રવિવારે 1.57 કરોડ શ્રધ્ધાળુઓએ મહાકુંભમાં ડુબકી લગાવી હતી.

 

મહાકુંભમાં 43.57 કરોડ શ્રધ્ધાળુઓની ડુબકી:સંખ્યા 55 કરોડે પહોંચી
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકૂંભમાં અત્યાર સુધીમાં 43.57 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કરી લીધુ હતું. મહાકુંભનાં પ્રારંભ પૂર્વે 40 કરોડ શ્રધ્ધાળુઓ આવવાનો અંદાજ મુકાતો હતો.આ સંખ્યા વધી ગઈ છે. હજુ 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ ચાલવાનો છે ત્યારે કુલ સંખ્યા 55 કરોડ પહોંચવાનું નવુ અનુમાન મુકાયુ છે.

બુધવારે માઘપૂનમના સ્નાનનો મોટો પડકાર
આગામી 12મી ફેબ્રુઆરીએ માઘ પુનમ છે અને માઘ પૂર્ણિમાના સ્નાનનુ ઘણુ મહત્વ છે. એક માસથી કલ્પવાસ કરતા 10 લાખ શ્રદ્ધાળુઓ આ દિવસે સ્નાન કરીને વિદાય લેશે. સ્નાનપર્વ હોવાને કારણે બહારથી પણ લાખો શ્રદ્ધાળુ ઉમટશે એટલે આ દિવસ પણ તંત્ર માટે પડકારજનક બની શકે છે.

48 કલાકથી ટ્રાફિક જામ: 5 કી.મી. કાપતા 5 કલાક
ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોએ સોશ્યલ મીડીયામાં આપવીતી વર્ણવવાનું શરૂ કર્યુ છે. એક યુઝરે 48 કલાકની ટ્રાફિકજામમાં ફસાયાનો સંદેશો મુકયો છે. જબલપુરથી 15 કીમી અગાઉ જ વાહનોના થપ્પા છે ત્યાંથી પ્રયાગરાજનું અંતર 400 કી.મી. છે. એક યુઝરે એવી પોસ્ટ કરી છે કે પાંચ કી.મી.નું અંતર કાપતા પાંચ કલાક લાગે છે.

પ્રયાગરાજના તમામ માર્ગો પર મહાજામ
પ્રયાગરાજમાં પવિત્ર મહાકુંભને એક મહિનો થવા આવ્યો છે.માનવપ્રવાહ ધીમો પડતો નથી. સંગમમાં ડુબકી લગાવવા માટે દેશ વિદેશમાંથી લાખો લોકોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે.ફરી એક વખત પ્રયાગરાજ તરફના માર્ગોમાં મહાજામ સર્જાયો હતો.

વારાણસી, મૈનપુર, મિર્ઝાપુર, કૌશામ્બી, પ્રતાપગઢ, હીવા તથા કાનપુરનાં માર્ગોથી પ્રયાગરાજ જઈ શકાય છે. આ તમામ બાજુનાં રસ્તા હકડેઠઠ બન્યા હતા અને મહાકુંભ પહોંચવા શ્રધ્ધાળુઓને 20-25 કીમી પગપાળા પહોંચવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.