15થી 20 વર્ષ જૂની બાઇક - મોટર્સ અને કોમર્શિયલ વાહનો માટે નવીકરણ ફીમાં ભારે વધારો

લોગ વિચાર :

દેશમાં માર્ગો પર દોડતા જૂના વાહનોથી સર્જાતા પ્રદુષણ તથા વધુ પડતા ઈંધણનો વપરાશ સહિતની સમસ્યા સામે સરકારે બનાવેલી સ્ક્રેપ પોલીસી હજુ શરુ થઈ શકી નથી અને 15 વર્ષ કે તેથી જૂના વાહનો હજુ માર્ગ પર બિન્દાસ દોડે છે.

તે સમયે હવે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એક ડ્રાફટ નોટીફીકેશનમાં જૂના વાહનોના રજીસ્ટ્રેશન રીન્યુઅલ કરવા માટેની ફીમાં મોટો વધારો કર્યો છે. આ પ્રકારના વાહન ચાલકોન જૂના વાહનો ‘મોંઘા’ પડે તે જોવામાં આવી રહ્યું છે. વાહનો માટેના બીએસ-ટુ માપદંડ અમલમાં આવ્યા તે પુર્વેના વાહનોને આ નવી પ્રસ્તાવીત જોગવાઈ લાગુ પડશે.

20 વર્ષ કે તેથી જૂના મોટરસાયકલ અને કારના રજીસ્ટ્રેશન રીન્યુઅલ હવે મોંઘુ બનશે. મોટરસાયકલ માટે આ ફી રૂા.2000 અને કાર માટે રૂા.10000 કરવામાં આવી છે. 15 વર્ષ કે તેથી જૂના વાહનો ને ચલાવવું મોંઘુ પડે તે રીતે આ નવો પ્રસ્તાવ તૈયાર કરાયા છે. મીડીયમ અને હેવી કોમર્શિયલ વાહનો માટેની ફી રૂા.12000 અને રૂા.18000 કરવામાં આવી છે.

જો તે વાહનો 20 વર્ષ કે તેથી વધુ જૂના હશે તો તેની ફી રૂા.24000 અને રૂા.36000 થઈ જશે. જો કે દિલ્હીમાં 10 વર્ષ કે તેથી જૂના વાહનો દોડાવવા પર પ્રતિબંધ યથાવત રહેશે. સરકારે અગાઉ રીન્યુઅલ ફીમાં વધારો કર્યો હતો પણ તેમાં મીડીયમ, હેવી, કોમર્શિયલ વાહનોનો સમાવેશ કરાયો ન હતો.

હાલના જે રીન્યુઅલ ચાર્જ છે તે 20 વર્ષ પુર્વે નિશ્ચિત થયા હતા. ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કોમર્શિયલ વાહનોની રીન્યુઅલ રજીસ્ટ્રેશન ફી વધારાની દરખાસ્તને વધુ પડતી ગણાવી હતી.