ફેબ્રુઆરીની શરૂઆતમાં જ હિમાલય પરથી બરફની સફેદ ચાદર ગાયબ !

લોગ વિચાર :

પિથોરાગઢ જિલ્લા સાથે જોડાયેલા હિમાલયના પંચાચૂલીની સાથે સાથે અનેક શિખરો પરથી આ વખતે ફેબ્રુઆરી મહિનામાં જ બરફ ગાયબ થઈ ગયો છે. બરફની ચાદર જ શિખરો પર આખું વર્ષ ઢંકાયેલી રહે છે ત્યાં બરફ ગાયબ થઈ જવાથી શિખરો કાળા દેખાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ આની પાછળ ગ્લોબલ વોર્મિંગ અને પશ્ર્ચિમી ડિસ્ટર્બન્સની ઓછી સક્રીયતાને કારણ માન્યુ છે.

સીમાંત જિલ્લાઓ દારમા, વ્યાસની સાથે મુનસ્યારી સુધીના હિમાલયી રેન્જમાં આ વખતે નહીંના બરાબર માત્ર બે વખત જ બરફવર્ષા થઈ છે. વર્ષ 2021-22માં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સીમાંત જિલ્લાના હિમાલયી ક્ષેત્રમાં 14થી વધુ વાર હિમવર્ષા થઈ હતી. ત્યારબાદ 2022-23ના ડિસેમ્બરથી જાન્યુઆરીમાં બરફવર્ષા માત્ર 4 વાર જ થઈ હતી. આ વખતે તેમાં ઘટાડો થયો છે.

ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિક હિમાલયી હવામાનના જાણકાર ડો. હેમંત પાંડે હિમાલય ક્ષેત્રમાં ગ્લોબલ વોર્મિંગની અસરને પણ આનું મોટું કારણ જણાવે છે. આ વખતે મુનસ્યારીનું તાપમાન જાન્યુઆરી મહિનામાં અધિકતમ 18 ડીગ્રી સુધી નોંધાયું હતું.

વ્યાસ અને દારમામાં પણ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. અગાઉ જ હિમાલયી ક્ષેત્રમાં ઓછી બરફવર્ષા થઈ રહી છે. હવે શિયાળામાં તાપમાનમાં થયેલા વધારાથી બરફ ઝડપથી પીગળી રહ્યો છે.

સિનિયાખોલા અને કોટેરાના જંગલો દવથી તપી રહ્યા છે
ધારચૂલા: સિનિયાખોલા અને કોટેરા ક્ષેત્રના જંગલો અનેક કલાકો સુધી સળગતા રહ્યા હતા. શનિવારે આખી રાત અહીંના જંગલોમાં આગની જવાળાઓ ઉઠતી રહી. આથી વન સંપત્તિને ઘણું નુકશાન થયું હતું. વન વિભાગની ટીમે હવે આગ બુઝાવી દીધી છે. જેથી ગામ લોકોએ રાહતની લાગણી અનુભવી છે. શનિવારે વિસ્તારના મુખ્યાલયના સિનિયાખોલા અને કોટેરા ક્ષેત્રોના જંગલમાં દવ લાગ્યો હતો.