લોગ વિચાર :
ખાદ્યચીજોમાં ભેળસેળનુ દુષણ સતત વધી રહ્યું છે અને નફો કમાવાની લાલચમાં ભેળસેળીયા તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે ખાદ્યચીજોની ગુણવતાની ચકાસણી પાંચ જ મીનીટમાં થઈ શકે તેવી ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે. નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના સંશોધકોએ બે થી પાંચ મીનીટમાં પરિક્ષણ થઈ શકે તેવી રેપીટ ટેસ્ટીંગ કીટ વિકસાવી છે.
ફોરેન્સીક યુનિવર્સિટીના એસોસીએટ પ્રોફેસર જયરાજસિંહ સરવૈયાએ કહ્યું કે, માર્કેટમાં કવોલીટી ચેક માટે અનેક કીટ ઉપલબ્ધ છે છતાં સૌથી સચોટ પરિક્ષણ થાય તેવી કીટ માટે બે વર્ષથી સંશોધન થતુ હતુ. મુખ્યત્વે દુધ તથા મસાલાની મિલાવટ કે હલ્કી ગુણવતા પકડવા પર ફોકસ રખાતુ હતુ. નવી કીટનુ પેટન્ટ પણ મેળવી લેવાયુ છે.
ઘરવપરાશમાં જ કામ આવી શકે તે પ્રકારની આવી કીટ રૂા.200 થી 500માં ઉપલબ્ધ કરવામાં આવી છે. સૂત્રોના કહેવા પ્રમાણે દુધને ઘટ બનાવવા માટે યુરિયાની મિલાવટ થતી હોય છે. હળદર-લાલ મરચુ જેવા મસાલામાં પ્રતિબંધીત ચીજોની ભેળસેળ થતી હોય છે.
રેપીટ ટેસ્ટીંગ કીટથી મીનીટોમાં પરિણામ મળી જાય છે. ઓર્ગેનીક ફુડનો દાવો કરવામાં આવ્યો હોય તો તેમાં યુરિયાની માત્રા છે કે કેમ તેની પણ સકાસણી થઈ જશે.
યુનિવર્સિટીના કેમ્પસ ડાયરેકટર પ્રો. જુનારેએ કહ્યુ કે ફુડ ફેસ્ટીવલ સહિતના કાર્યક્રમોમાં રેપીડ ટેસ્ટ કીટ પ્રદર્શનમાં મુકવામાં આવતી જ હોય છે આ કીટ સસ્તી અને ઉપયોગમાં સરળ છે. સેંકડો-હજારોની સંખ્યામાં કીટનુ ઉત્પાદન કરવામાં આવ્યુ છે.
કીટના ઉપયોગ વિશે સરળ સમજ પર આપવામાં આવી છે. દુધમાં મિલાવટ છે કે કેમ તે ચાર ટીપા દુધ પરથી જ ખબર પડી જાય છે. સ્ટ્રીપના કલરના આધારે તેમાં કયા પ્રકારની ભેળસેળ છે તેની ખબર પડી જાય છે.
તબીબી નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોથી આરોગ્ય પર જોખમ વધતુ રહ્યુ છે. પેટની સમસ્યા સહિતના આરોગ્ય પ્રશ્નોે માટે ખાદ્ય ચીજોની ભેળસેળ પણ જવાબદાર છે ત્યારે લોકોએ સરળતાથી ઉપલબ્ધ કીટનો ઉપયોગ કરીને સ્વાસ્થ્યની કાળજી રાખવાની જરૂર છે.