ગુગલ પે વોઇસ સુવિધા લાવી રહ્યું છે : હવે તમે બોલીને પણ ચુકવણી કરી શકાશે

લોગ વિચાર :

ભારતની યુપીઆઈ પેમેન્ટ એપ ગૂગલ પેમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ખરેખર, ગૂગલ પે તેનાં વપરાશકર્તાઓની સુવિધા માટે વોઇસ ફીચર્સ રજૂ કરશે. તેનાં લીડ પ્રોડક્ટ મેનેજમેન્ટનું માનવું છે કે ગુગલ પેના નવાં વોઇસ ફીચરથી ઓનલાઇન પેમેન્ટ સરળ બનશે.

જો કે વોઇસ ફીચર વિશે વધુ માહિતી આપવામાં આવી નથી કે આ ફિચર કઇ રીતે કામ કરશે. પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ આ ફિચરથી ઓનલાઇન પેમેન્ટ બોલીને કરી શકાશે.

જો આવું થાય તો ભારત માટે ગેમ ચેન્જિંગ ફીચર બની શકે છે, કારણ કે ભારતમાં અલગ-અલગ ભાષાઓનાં લોકો છે. એક મોટી વસ્તી એવી પણ છે જેને વાંચતા-લખતા આવડતું નથી.

ગૂગલ પે સરકાર સાથે મળીને કામ કરી રહ્યું 
રિપોર્ટ અનુસાર, ગુગલ પે ટૂંક સમયમાં વોઇસ ફીચર લોન્ચ કરશે, જોકે કંપનીએ લોન્ચની તારીખ જાહેર કરી નથી. ગૂગલ પેનું કહેવું છે કે તેઓ ભારત સરકારનાં ’bhasini’  જેવાં પ્રોજેક્ટ્સ સાથે કામ કરી રહ્યાં છે, જે લોકોને સ્થાનિક ભાષાઓમાં ચૂકવણી કરવામાં મદદ કરશે.

આ ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મ વતી માહિતી આપવામાં આવી હતી કે કંપની મશીન લર્નિંગ અને એઆઇ પર ઝડપથી કામ કરી રહી છે. કંપનીનું માનવું છે કે એઆઇ અને મશીન લર્નિંગની મદદથી તે ઓનલાઇન ફ્રોડ અને ધમકીઓને રોકવામાં મદદ કરી શકે છે. તેમણે ભારતને એક મોટું ઓનલાઇન પેમેન્ટ માર્કેટ ગણાવ્યું હતું. સાથે જ કંપની ભારતમાં ઈનોવેશનમાં રોકાણ કરવા માટે પણ તૈયાર છે.

ભારતમાં ગૂગલ પે અને ફોન-પેનો દબદબો 
ગૂગલ પે ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ છે. નવેમ્બર 2024 ના અહેવાલ અનુસાર, ભારતમાં યુપીઆઈમાં ગૂગલ પેનો હિસ્સો લગભગ 37 ટકા છે, જ્યારે ફોન પેનો હિસ્સો 47.8 ટકા છે. સરળ શબ્દોમાં કહીએ તો ભારતનાં યુપીઆઈ માર્કેટમાં ત્રણ કંપનીઓ ગૂગલ પે, ફોનપે અને પેટીએમનો દબદબો છે.

જોકે યુપીઆઈ પેમેન્ટમાં કેટલીક કંપનીઓનું વર્ચસ્વ ઘટાડવા માટે સરકારે 30 ટકા માર્કેટ કેપ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તેની ડેડલાઈન 2026 સુધી વધારી દેવામાં આવી છે, જેથી ઓનલાઈન પેમેન્ટ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.