રેલ્વે સ્ટેશનોમાં ફક્ત ટિકિટ ધારકોને જ પ્રવેશ આપવા વિચારણા

લોગ વિચાર :

મહાકુંભમાં જવાની ભીડને કારણે દિલ્હી રેલવે સ્ટેશને 18 લોકોનો ભોગ લેનારી દુર્ઘટનામાંથી બોધપાઠ લેવામાં આવ્યો હોય તેમ હવે દેશનાં 60 મોટા બસ રેલ્વે સ્ટેશનોએ ટીકીટ વિનાના લોકોને એન્ટ્રી નહિં આપવા વિચારણા શરૂ ક્રવામાં આવી છે. એરપોર્ટ પર માત્ર પ્રવાસી વ્યકિતઓને જ પ્રવેશ અપાય છે તેજ ધોરણે નિયમ લાગુ થવાની સંભાવના છે.

રેલવે વિભાગનાં સુત્રોએ કહ્યું કે, વ્યસ્ત રેલવે સ્ટેશનોએ ભીડ રોકવા વિવિધ વિકલ્પો વિચારણામાં છે. એક વિક્લ્પ ટ્રેન આવવાનાં થોડા સમય પૂર્વે પ્રવેશ આપવાનો છે.બીજો વિકલ્પ ટીકીટ હોય તેવા પ્રવાસીઓને જ એન્ટ્રી આપવાનો છે.

મુખ્યત્વે 60 વ્યસ્ત રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે અને તેના માટે વિકલ્પો વિચારાય રહ્યા છે. એરપોર્ટમાં પ્રવેશતા પ્રવાસીઓનું જેમ એકથી વધુ વખત ચેકીંગ થાય છે તે જ ધોરણે વ્યવસ્થા ગોઠવવાનું આયોજન છે.

રેલવે સ્ટેશનોએ પ્રવાસીઓને બેસવા રહેવા માટે પણ સ્થળો ઉપસ્થિત કરાશે.સ્ટેશનમાં ગમે ત્યાં ડેરા તંબુ નાખતા રોકાશે. દિલ્હી, આનંદવિહાર, ગાઝીયાબાદ, વારાણસી, અયોધ્યા, જેવા સ્ટેશનો માટે એકશન પ્લાન પણ નકકી કરી લેવાયો છે.

રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા અમૃત ભારત સ્ટેશન સ્કીમ ચાલી રહી છે તે પ્રોજેકટ હેઠળ જ આ સ્કીમ દાખલ થશે.હાલ દેશનાં 1275 રેલવે સ્ટેશનો પર આ સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હી રેલવે સ્ટેશને ભાગદોડમાં તાજેતરમાં જ 18 લોકોના મોત થયા હતા. પ્રયાગરાજ જવા માટેની ટ્રેન પકડવા ભાગદોડ સર્જાતા આ દુર્ઘટના બની હતી.

મુસાફરોના ઘસારાને કારણે પ્રયાગરાજ માટે વધારાની ટ્રેન મુકાતા અને તેની જાહેરાતમાં ગેરસમજણથી ભાગદોડ મચી હતી. લોકોએ મુળ ટ્રેનને બદલે બીજી ટ્રેનમાં જવા ઘસારો કરી લીધો હતો કચડાઈ-ગુંગળાઈ જવાથી લોકોના મોત નીપજયા હતા.