આયુષ્માન યોજના કૌભાંડ : 3000 હોસ્પિટલો સામે કાર્યવાહી

લોગ વિચાર :

સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે આયુષ્માન ભારત યોજનામાં થયેલા કૌભાંડો અને અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યુ કે, છેતરપીંડી આચરીને યોજનાની રકમ ઉપાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જે સમયસર નિષ્ફળ ગયા. લાખો બોગસ દાવાઓને નકારી કાઢીને 643 કરોડ રૂપિયા બચાવ્યા.

આ ઉપરાંત, કુલ 3000 થી વધુ હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સેંકડો હોસ્પિટલોને પેનલમાંથી દૂર કરવામાં આવી છે, જ્યારે સેંકડો અન્ય હોસ્પિટલોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, આયુષ્માન ભારત યોજના હેઠળ, કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે ત્રણ-સ્તરીય પદ્ધતિ બનાવવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની છેતરપિંડી સમયસર રોકી શકાય.

રાજ્યસભામાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે આયુષ્માન ભારત વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 643 કરોડ રૂપિયાના 3.56 લાખ દાવાઓને ફગાવી દેવાયા છે, અને 1,114 હોસ્પિટલોને પેનલમાંથી દૂર કરવામાં આવી છે.

એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, 1,504 દોષિત હોસ્પિટલો પર 122 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને 549 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે.

થ્રી-ટાયર સિસ્ટમ
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ફરિયાદોના નિરાકરણ માટે થ્રી-ટાયર સિસ્ટમ બનાવવામાં આવી છે. તેમાં દરેક સ્તરે સમર્પિત નોડલ અધિકારીઓ અને સમિતિઓ છે.

મંત્રી જાધવે માહિતી આપી હતી કે, લાભાર્થીઓ વેબ-આધારિત પોર્ટલ સેન્ટ્રલાઇઝ્ડ ગ્રીવન્સ રિડ્રેસલ મેનેજમેન્ટ સિસ્ટમ  સેન્ટ્રલ અને સ્ટેટ કોલ સેન્ટર્સ (14555), ઇમેઇલ, SHA ને પત્ર વગેરે સહિત વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેમની ફરિયાદો નોંધાવી શકે છે.

યોજનાના દુરુપયોગની જાણકારી મેળવવા અને હોસ્પિટલના દાવાઓની તપાસ કરવા માટે લગભગ રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને AI-આધારિત સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, દાવાઓની સત્યતા સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોમાં રેન્ડમ ઓડિટ અને સરપ્રાઇઝ ચેકિગ કરવામાં આવે છે.