આજે 'વર્લ્ડ કિડની કેન્સર ડે' : ભારતમાં દર વર્ષે 1.80 લાખ લોકો મૃત્યુ પામે છે

લોગ વિચાર :

દર વર્ષે 20 જૂનના રોજ વિશ્વ કિડની કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘લિસનિંગ’ છે. કિડની કેન્સર, જેને રેનલ કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વૈશ્વિક સ્તરે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ હેલ્થ અનુસાર, આ રોગ દર વર્ષે આશરે 1,80,000 મૃત્યુ માટે જવાબદાર છે. ભારતમાં ગ્લોબલ કેન 2020 રિપોર્ટ દર્શાવે છે કે, દેશના કુલ કેન્સરના કેસોમાં કિડનીના કેન્સરનો હિસ્સો 1.3% છે, જેમાં દર 1,00,000 પુરૂષોએ 2 અને 1,00,000 સ્ત્રીઓમાં 1 છે. રેનલ સેલ કાર્સિનોમા (આરસીસી) તમામ કિડનીની ગાંઠોમાં 85% અને પુખ્ત વયના તમામ કેન્સરમાં 3% ધરાવે છે.

વર્લ્ડ કિડની કેન્સર ડે નિમિત્તે યુરોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. રાઘવેન્દ્ર કશ્યપ જણાવે છે કે, કિડની ન માત્ર પાણીનું બેલેન્સ કરી, વેસ્ટ મટિરિયલને શરીરમાંથી બહાર કાઢે છે પરંતુ એવા હોર્મોન પણ પ્રોડયુસ કરે છે જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા, રેડ બ્લડ સેલ્સ બનાવવા અને હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે. કિડનીનું કેન્સર, ખાસ કરીને આરસીસી ભારતમાં યુવા વર્ગમાં વધુ સામાન્ય બની રહ્યું છે. એક તૃતિયાંશ દર્દીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેસરના લોકોમાં કિડનીની બીમારી થવાનું જોખમ વધારે તે સિવાય મેદસ્વિતા, પરિવારમાં કોઈને પહેલાથી કિડનીની બીમારી હોવી, લાંબા સમય સુધી પેન કિલર લેતા લોકોમાં અથવા હદયની બીમારીનો સામનો કરી રહેલા લોકોમાં કિડનીની બીમારીનું જોખમ વધારે રહે છે.

કિડનીની બીમારી બ્લડને સાફ કરીને બ્લડમાંથી એકસ્ટ્રા પાણીને ફિલ્ટર કરવા અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં શરીરની ક્ષમતાને અસર કરી શકે છે. જયારે કિડની ડેમેજ થઈ જાય છે તો વેસ્ટ મટિરિયલ અને ફલૂડ શરીરમાં જમા થવા લાગે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો કિડની કામ કરવાનું બંધ કરી દે છે.

કિડનીના કેન્સરથી કેવી રીતે બચવું?
જીવનશૈલી અને આહારમાં થોડો ફેરફાર કરીને કિડનીના કેન્સરથી બચી શકાય છે. તમારા સ્વાસ્થ્યને સુધારવાના કેટલાક સરળ પ્રયાસોની મદદથી કિડનીના કેન્સરનું જોખમ પણ ઘટાડી શકાય છે. જો તમે ધુમ્રપાન કરો છો, તો છોડો. ધુમ્રપાનથી દુર રહેવાથી કિડનીના કેન્સર સહિત અન્ય ઘણા કિડનીના રોગોના જોખમોને ઘટાડવામાં મદદ મળી શકે છે. સ્વસ્થ વજન જાળવી રાખવાના પ્રયત્નો કરવા પણ જરૂરી છે. જો તમારું વજન વધારે છે અથવા મેદસ્વી છે, તો દરરોજ તમારી કેલરીની માત્રા ઓછી કરો. શારીરિક રીતે સક્રિય રહેવાનો પ્રયાસ કરવાથી પણ તમારૂ વજન ઓછું થઈ શકે છે.

કિડની કેન્સરના લક્ષણો
કિડની કેન્સર સામાન્ય રીતે પ્રારંભિક તબકકામાં કોઈ લક્ષણો કે ચિન્હો દખાતું નથી. જો કે, તેના લક્ષણો સમય સાથે વધે છે. કિડનીના કેન્સરની કારણે, તમારા પેશાબનો રંગ લોહીવાળો, ગુલાબી અથવા કાળા રંગનો દેખાય છે. આ સિવાય જો તમારી પીઠ કે બાજુમાં વારંવાર દુખાવો થતો હોય, ભૂખ ન લાગતી હોય, કોઈ પણ પ્રયત્ન કર્યા વિના વજન ઓછું થતું હોય અને વારંવાર થાક અને તાવ આવતો હોય તો તમારે આવા લક્ષણો વિશે સાવચેત રહેવું જોઈએ. સમયસર આ ચિન્હો પર ધ્યાન આપવું અને સારવાર લેવી મહત્વપૂર્ણ છે.