લોગ વિચાર :
મોટર એકસીડેન્ટ કલેમના નાણા આપવાની પ્રક્રિયામાં થતા વિરોધમાં સુપ્રીમ કોર્ટે વિમા કંપનીઓને મંજુર થયેલી કલેમની રકમ લાભાર્થીના બેન્ક ખાતામાંજ સીધી જમા થાય તે નિશ્ચિત કરવા જણાવ્યુ છે.
હાલની પ્રક્રિયા મુજબ વિમા કંપની એકસીડેન્ટ ટ્રીબ્યુનલને નાણા સોંપે છે અને ટ્રીબ્યુનલ બાદમાં આ નાણા લાભાર્થીને આપે છે. જેના કારણે કલેમનાં નાણા મેળવવામાં બિનજરૂરી વિલંબ થતો હોવાના સુપ્રીમકોર્ટના ધ્યાનમાં આવતા જ આ નવી વ્યવસ્થા લાગુ કરવા તમામ વિમા કંપનીઓને આદેશ આપ્યો છે.
સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ જે.કે.મહેશ્વરીની ખંડપીઠે એ નોંધ્યુ હતું કે, કલેમ મંજુર થયા બાદ તેનું ચૂકવણુ લાંબો સમય લે છે. ટ્રીબ્યુનલમાં જમા થયા બાદ પણ જે તે લાભાર્થીને 15-20 દિવસ બાદ નાણા મળે છે. દેશમાં વધતા અકસ્માતોન સાથે મોટર એકસીડેન્ટ કલેમ પણ વધતા જાય છે.
એક માહિતી મુજબ 2022/23ના અંતે 1046163 કલેમ વિમા ટ્રીબ્યુનલ પાસે દેશભરમાં પેન્ડીંગ પડયા હતા. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના આ યુગમાં તમામ કાર્યવાહી હવે સમયબદ્ધ થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, સરકારની વિવિધ યોજનાઓમાં પણ લાભાર્થીને નાણા તેના બેન્ક ખાતામાં સીધા જમા થાય છે. અનેક કેસમાં ટ્રીબ્યુનલ કલેમની ચોકકસ રકમ બેન્કમાં થાપણ તરીકે જમા કરાવવા આદેશ આપે છે. આ આદેશને વિમા કંપનીઓ પણ બેન્કને આપી શકે છે.