કોરોનાએ લોકોનું આયુષ્ય સરેરાશ બે વર્ષ ઘટાડી નાખ્યું : WHO

લોગ વિચાર :

વિશ્વમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો તેની સરખામણીમાં અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ આ કોરોનાને કારણે શરીર પર થયેલી અસરને કારણે માનવીનું આયુષ્ય સરેરાશ બે વર્ષ ઘટી ગયું છે અને તેની સાથે સ્થૂળતા સહિત કેટલાક રોગોનું જોખમ વધી ગયું છે.

કોરોનાને ચાર વર્ષનો સમયગાળો વીતી ગયો છે. આ દરમિયાન કોરોનાના વેરિએન્ટના અનેક મ્યુટેશન થયા અને સંક્રમીતોમાં હળવાથી લઈને ગંભીર સ્તરના લક્ષણ રિપોર્ટ થયા. કોરોનાનો ખતરો હજુ પણ નથી ટળ્યો. હાલના રિપોર્ટ મુજબ વાયરસમાં ફરી એકવાર મ્યુટેશન થયું છે, જેનાથી ઉત્પન્ન નવુ વેરિએન્ટ અનેક દેશોમાં સંક્રમણ વધારતુ જોવા મળી રહ્યું છે.

સિંગાપોરના સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ અહીં બે સપ્તાહમાં જ કોરોનાના કેસોમાં 90 ટકાથી વધુનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વિશેષજ્ઞોએ બધા લોકોને કોરોનાથી બચાવને લઈને સતત સાવધ રહેવા અપીલ કરી છે. ડબલ્યુએચઓએ જણાવ્યું છે કે કોરોનાને કારણે વૈશ્વિક સરેરાશ જીવનમાં લગભગ બે વર્ષનો ઘટાડો થયો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં સરેરાશ આયુષ્યમાં બહેતર સુધારો જોવા મળ્યો હતો પરંતુ કોરોનાના કારણે તેમાં ઘટાડો આવ્યો છે. મહામારીએ સંપૂર્ણ સ્વાસ્થ્યને ગંભીર અસર કરી છે. સંક્રમણના કારણે અનેક બીમારીઓ વિકસીત થતી જોવા મળી રહી છે. આ પરીસ્થિતિએ જીવન અપેક્ષાને ઘણું નુકસાન પહોંચાડયું છે.

સ્વાસ્થ્ય સંગઠનોનો રિપોર્ટ જણાવે છે કે કોરોનાના પ્રારંભીક દોરમાં જ વર્ષ 2020-21 દરમિયાન 1.59 કરોડથી વધુ લોકોના મોત થયા હતા. ડબલ્યુએચઓના સંશોધકોએ જણાવ્યું હતું કે ગત અડધી સદીમાં કોઈપણ અન્ય ઘટનાની તુલનામાં કોરોનાએ સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સરેરાશ જીવન અને જીજિવિષા પર સૌથી ઉંડો પ્રભાવ પાડયો છે.

ડબલ્યુએચઓના મહાનિદેશક ટેડ્રાસ અદનોમ ધેબિયસે કહ્યું હતું કે આ આંકડા વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષાને મજબૂત કરવા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં દીર્ઘકાલીક રોકાણને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પ્રકાશ ફેંકે છે.