લોગ વિચાર.કોમ
રાજયમાં માવઠાની આગાહી વચ્ચે ઠેર ઠેર કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને ગઇકાલે જ રાજકોટ, સુરેન્દ્રનગર સહિત આઠ સ્થળોએ 40થી 42 ડિગ્રી ઉપર તાપમાન નોંધાતા લોકો અકળાયા હતા.
ગઇકાલે સુરેન્દ્રનગરમાં 42.3, રાજકોટમાં 42.2, કંડલામાં 40, અમદાવાદમાં 40.8, અમરેલીમાં 40.9, ભુજમાં 41.3 તથા ડિસામાં 40.7, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો નીચે ગયો હતો. પરંતુ છેલ્લા 3 દિવસથી સતત ગરમીનો પારો 40 ડીગ્રી ઉપર નોંધાઈ રહ્યો છે. મંગળવારે પણ જિલ્લાનું મહત્તમ તાપમાન 42.3 ડીગ્રી નોંધાયુ હતુ. જયારે લઘુત્તમ તાપમાન 22.8 ડીગ્રી નોંધાયુ હતુ.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની આકરી શરૂઆત થઈ ગઈ છે. પરંતુ થોડા દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટતુ હતુ.રાતના સમયે ફુંકાતા ઠંડા પવનોને લીધે લઘુત્તમ તાપમાન તો 20 ડીગ્રીની નીચે જતુ રહ્યુ હતુ. જયારે મહત્તમ તાપમાન પણ 40 ડીગ્રી નીચે નોંધાતુ હતુ. પરંતુ છેલ્લા 3 દિવસથી ફરીથી ગરમી પીક ઉપર છે.
તા. 30, 31 માર્ચ અને 1 એપ્રીલના રોજ ગરમીનો પારો 40 ડીગ્રી ઉપર નોંધાઈ રહ્યો છે. જેના લીધે ફરી જનજીવનને અસર થઈ છે. તા. 31 માર્ચના રોજ મહત્તમ તાપમાન 41.3 ડીગ્રી નોંધાયુ હતુ. જેમાં 24 કલાકમાં 1 ડીગ્રી તાપમાન વધીને તા. 1 એપ્રીલને મંગળવારે 42.3 ડીગ્રી સુધી પહોંચ્યુ હતુ. જયારે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે. તા. 31ના રોજ 22 ડીગ્રી સામે તા. 1 ના રોજ 22.8 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ.
જયારે જામનગર શહેરમાં મહતમ તાપમાનનો પારો 38.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું હતું.જયારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 4.4 કિમિ નોંધાઇ છે. મહતમ તાપમાન વધતા બપોરના સમયે કાળઝાળ ગરમી પડતા સ્વંય કુદરતી કરફ્યુ જેવું શહેરના માર્ગો સુમસામ બને છે.