લોગ વિચાર.કોમ
મોદી સરકાર નોટબંધી બાદ હવે સીમબંધી લાવી રહી છે. મોબાઈલના બોગસ કનેકશન રોકવા વધુ આધુનિક સીમકાર્ડ માટે તૈયારી છે અને હાલના તમામ સીમકાર્ડ બદલવામાં આવશે.
આ અંગે તાજેતરમાં જ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રાલયે દેશની મોબાઈલ કંપની રિલાયન્સ જીયો, એરટેલ, વોડાફોન અને બીએસએનએલના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને આ માટે કંપનીઓના સૂચનો માંગ્યા હતા.
ખાસ કરીને 100 કરોડ જેટલા કનેકશનોમાં સીમકાર્ડ બદલવાનું સરળ નહી હોય. ખાસ કરીને સીમકાર્ડમાં ચીનમાં નિર્મિત ચીપનો ઉપયોગ થયો છે અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી તે મુદે અત્યંત ગંભીર છે અને તેથી ટેલીકોમ કંપનીઓ સાથે હવે નવા સીમકાર્ડ વધુ સુરક્ષિત હોય તે નિશ્ચિત કરાશે.
અગાઉ ચાઈનીઝ કંપની હુવાઈ તથા ઝેડટીઈના મારફત સીમકાર્ડ મેળવ્યા હતા. હવે આ બન્ને કંપની ભારતમાં પ્રતિબંધીત છે. ભારત, તાઈવાન અને વિયેતનામથી આ ચીપ મંગાવે છે પણ તપાસમાં ખુલ્યું કે ચીનની આ ચીપનો મોટો જથ્થો ખોટા લેબલીંગથી આવી ગયો છે અને તેથી પ્રથમ આ પ્રકારના સીમકાર્ડને ટાર્ગેટ કરાશે.