અત્યાર સુધી, ભારતીયો વિદેશથી આઇફોન ખરીદતા હતા તે પરિસ્થિતિ બદલાશે

લોગ વિચાર.કોમ

અમેરિકા દ્વારા આજથી જે ટેરીફનો અમલ શરુ કરાયો છે તેની સૌથી વધુ અસર અમેરિકનોને જ થશે અને ભવિષ્યમાં એવું બનશે કે અમેરિકાના લોકો ભારતની મુલાકાતે આવે તો તેઓ અહીથી આઈફોન કે અન્ય ઈલેકટ્રોનીક ગેઝેટ જેમકે લેપટોપ અથવા આઈપેડ ખરીદીને જશે.

ટ્રમ્પે ધ ગ્રેટ વોલ ઓફ ટેરીફ ઉભી કરી છે અને થોડા જ સમયમાં અમેરિકનો માટે નવી ચિંતા બનશે. જો ચીન પરના 104 ટકા ટેરીફનો અમલ ચાલુ રાખે અને ચીન પણ પીછેહઠ કરવાની ના પાડે તો આઈફોન અમેરિકામાં લગભગ 30 ટકા મોંઘો થઈ જશે.

ભારત પર 26 ટકા ટેરીફ છે અને તેની અસર પણ દેખાશે. પરંતુ અમેરિકા કરતા ભારતમાં આ પ્રકારે ઈલેકટ્રોનીક ગેઝેટ વધુ સસ્તા હશે. અત્યારે આપણે પશ્ચિમી દેશોમાં મુલાકાત લેતા સમયે ત્યાંથી આઈફોન ખરીદી લાવવા મિત્રોને કહીએ છીએ અથવા ખુદના પ્રવાસમાં પણ આ પ્રકારે અમેરિકા કે અન્ય પશ્ચિમના દેશોમાંથી આઈફોન ખરીદી લાવીએ છીએ.

ચીન પર જે 104 ટકા ડયુટી છે તેને કારણે આઈફોન-16 પ્રો 1500 થી 1600 ડોલરનો અમેરિકામાં મળશે. હવે એપલ તેમાં ખુદ કેટલા ટેરીફ પોતે નફો ઘટાડીને સ્વીકારે છે તેના પર નજર છે. અન્યથા ચીન કરતા ભારતમાં આઈફોન સસ્તા હશે અને બની શકે છે કે ભારતના આઈફોન એ દુનિયામાં સૌથી વધુ વેચાતા ફોન બની શકે.

છેલ્લી ઘડીનું એરશીપમેન્ટ રેકોર્ડબ્રેક કક્ષાએ
આજે સવારે 9.17 કલાકે અમેરિકાના ટેરીફ અમલી બની ગયા તે પુર્વે ભારતમાંથી આઈફોન સહિતના શિપમેન્ટમાં જબરો વધારો થયો હતો. ખાસ કાર્ગો વિમાનો ઉડયા હતા. સમુદ્ર માર્ગે તો ટેરીફની ડેડલાઈન પુર્વે પહોંચી ન શકાય તેથી જ સ્માર્ટફોન, એન્જીનીયરીંગ ગુડઝ, ઓટોમેટીક પાર્ટસ વગેરે આ ડેડલાઈન પુર્વે અમેરિકા પહોંચાડવા જબરો રસ સર્જાયો હતો.

અગાઉ પણ ટેરીફ આવશે તે ગણતરીએ બંદરો પર પણ વધુને વધુ જહાજો સાથેના કાર્ગો રવાના થયા હતા અને છેલ્લા એક સપ્તાહમાં એરપોર્ટ અને બંદરો પરનો ટ્રાફિક 15થી22 ટકા વધી  ગયો છે. અમેરિકી સમય મુજબ રાત્રે 12.01 કલાક પુર્વે રવાના થયેલા કાર્ગો પર નવા ટેરીફ લાગુ પડશે નહી તે નિશ્ચિત છે.

અમેરિકનોને વિશ્ર્વબજારથી અલગ પડી જવાનો ભય
દુનિયાભરના ઉત્પાદનો અમેરિકામાં ઠલવાય છે પણ જે રીતે ટ્રમ્પે ટેરીફ વધાર્યા તેથી હવે અમેરિકામાં તમામ ઉત્પાદનો વેચવાનું સરળ નહી બને અને તેથી અમેરિકનો માટે દુનિયાના અનેક ઉત્પાદનો હવે ભૂતકાળ બની જાય તો પણ આશ્ચર્ય થશે નહી. ખાસ કરીને ચીનથી અમેરિકામાં દર વર્ષે 516 બિલિયન ડોલરની જે નિકાસ થતી હતી તેને અસર થશે અને અમેરિકનોને બેસ્ટ ઉત્પાદનો મળશે કે કેમ તે પ્રશ્ન છે.

ખાસ કરીને ચોકલેટથી લઈ ઉંચા પ્રકારના શરાબ, રેબેન ગ્લાસ, ઘડીયાળો, નોનસ્ટીક કુકવેર તેમાં અમેરિકા અને બહારના દેશમાં ભાવોને મોટો તફાવત હશે. કેનેડામાં તો સરહદી વિસ્તારમાં મોટા શોપીંગ પ્લાઝા આવેલા છે તે હવે અમેરિકી ગ્રાહકો માટે ખુલ્લા કરાશે. અત્યાર સુધી અમેરિકનો ડ્રગ ખરીદવા માટે કેનેડા જતા હતા.

હવે તેઓ ચોકલેટ ખરીદવા પણ કેનેડા જાય તો આશ્ચર્ય થશે નહી. ઈ-બાય પર ડયુટી ફ્રી ફોન ખરીદવા માટે પ્લેનની ટિકીટ પણ પોસાય તેવી શકયતા દર્શાવાઈ રહી છે. શ્રીલંકામાં તો એરપોર્ટ શોપ પર રેફ્રીજરેટર અને વોશિંગ મશીન પણ ડયુટી ફ્રી શોપમાં મળે છે તે અમેરિકન ગ્રાહકો ઓછી ડયુટી ભરીને પોતાના દેશમાં લઈ જઈ શકે છે.