મહારાષ્ટ્રના સાંસદ સુપ્રિયા સુલે રસ્તાના સમારકામ માટે 7 કલાકની ભૂખ હડતાળ પર ઉતર્યા

લોગ વિચાર.કોમ

બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળે ગઈ કાલે પોતાના મતદારક્ષેત્રમાં દોઢ કિલોમીટરનો રોડ બનાવવાની માગણી સાથે ભૂખ હડતાળ પર બેઠાં હતાં. જોકે 7 કલાક બાદ સરકારી અધિકારીઓ પાસેથી એને બનાવવાનું લેખિત આશ્વાસન મળતાં તેમણે જયુસ પીને પારણાં કર્યાં હતાં.

સુપ્રિયા સુળે શ્રી ક્ષેત્ર બનેશ્વર ગામના અમુક લોકો સાથે પુણેમાં ક્લેકટરની કચેરીની બહાર ભૂખહડતાળ પર બેઠાં હતાં. ભોર તાલુકામાં નસરાપુરથી બનેશ્વર મંદિર સુધીના દોઢ કિલોમીટરના રોડની હાલત અત્યંત દયાજનક હોવા છતાં એના સમારકામ માટે ઍડ્મિનિસ્ટ્રેશન દુર્લક્ષ કરતું હોવાથી તેમણે આ પગલું ભરવું પડ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ‘અમે નવો રોડ બનાવવાની માગણી નથી કરી રહ્યા. અમારી માગણી અત્યારે જે રોડ છે એમાં ખાડા પડી ગયા હોવાથી એનું સમારકામ કરવાની છે. આ પટ્ટામાં કોન્ક્રીટાઇઝેશન માટે વારંવાર ફોલો-અપ કરવા છતાં કોઈ ઍક્શન લેવામાં નથી આવી. આ જ કારણસર કંટાળીને અમારે વિરોધ-પ્રદર્શન કરવું પડ્યું છે.’

ગઈ કાલે સાંજે પિંપરી ગયેલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને આ બાબતે પૂછવામાં આવતાં તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જોકે ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે 600 મીટરના રોડને સંસદસભ્યના ફન્ડમાંથી રિપેર કરાવી શકાય છે. સુપ્રિયા સુળેના હિસાબે દોઢ કિલોમીટરનો રોડ છે, પણ અજિત પવારનું કહેવું છે કે ખરાબ રોડ 600 મીટરનો જ છે.