આવતીકાલથી અમરનાથ યાત્રા માટે એડવાન્સ રજિસ્ટ્રેશનનો આરંભ

લોગ વિચાર.કોમ

બાબા અમરનાથની યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 38 દિવસ ચાલશે અને રક્ષાબંધનના દિવસે 9 ઓગષ્ટે સંપન્ન થશે. બાબા અમરનાથની વાર્ષિક યાત્રા માટે દેશભરમાં ચાર બેન્કોની 533 શાખાઓમાં એડવાન્સ રજીસ્ટ્રેશન (અગાઉથી નોંધણી)ની તૈયારી પુરી થઈ ગઈ છે. એડવાન્સ રજિસ્ટ્રેશન આજથી એટલે કે 14 એપ્રિલથી શરૂ થવાનું હતું પણ સરકારી રજાના કારણે આવતીકાલે મંગળવારથી શરૂ થશે.

ચાર બેન્કોની 533 શાખાઓમાં રજીસ્ટ્રેશન થશે. જેમાં પંજાબ નેશનલ બેન્કની 309 શાખાઓ, જમ્મુ-કાશ્મીર બેન્કની 91 શાખાઓ યસ બેન્કની 34 શાખાઓ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની 99 શાખાઓમાં રજીસ્ટ્રેશન થશે. જમ્મુ-કાશ્મીરમાં આ બેન્કોની 20 શાખાઓમાં રજિસ્ટ્રેશન થશે.

યાત્રાના બન્ને માર્ગો પહેલગામ અને બાલટાલથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જે માટે અલગ અલગ રંગનું રજીસ્ટ્રેશન થશે. રજીસ્ટ્રેશન પહેલાની જેમ આધાર આધારિત બાયોમેટ્રીક રીતે થશે. જેની ફી 150 રૂપિયા હશે.

આ ઉપરાંત રજિસ્ટ્રેશન માટે સ્વાસ્થ્ય પ્રમાણપત્ર ફરજીયાત છે. જેના માટે દેશભરમાં રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોમાં ડોકટરો અને ચીકીત્સા કેન્દ્રોની યાદી જાહેર કરી દીધી છે. મોબાઈલ નંબર પણ જાહેર કરાઈ છે. જેથી શ્રદ્ધાળુઓને કોઈ પરેશાની ન થાય.

સાથે સાથે એ પણ સ્પષ્ટ કરાયુ છે કે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવનારની 13થી70 વર્ષની હોવી જોઈએ.