સુરતમાં 1 વર્ષના બાળકનું કૂતરાના કરડવાથી મોત; 100 ટાંકા લેવા પડ્યા, 20 દિવસથી સારવાર ચાલી રહી હતી

લોગ વિચાર :

સુરત જિલ્લામાં કડોદરા પલસાણા રોડ પર કન્ટ્રકશન સાઈડ પર 1 વર્ષનું બાળક ઘોડિયામાં સુતું હતું. આ દરમ્યાન ત્યાં કૂતરાએ આવીને બાળકને બચકા ભર્યા હતા. બાળકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ચહેરા પર 100 જેટલા ટાંકા લેવા પડ્યા હતા જેમાં બાળકનું 20 દિવસની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

સુરત શહેરમાં અગાઉ રખડતા કૂતરાએ બાળકો અને યુવાનોને બચકા ભર્યા હોવાની ઘટનાઓ સામે આવી ચુકી છે એવામાં વધુ એક ઘટના સુરત જિલ્લામાં સામે આવી છે. ત્યારે તા.3 જુનના રોજ સુરતના કડોદરા પલસાણા રોડ પર કન્ટ્રકશન સાઈડ પર રહેતા મોહનભાઈ રસુલભાઈ માળી પત્ની સાથે કામ કરી રહ્યા હતા દરમ્યાન તેઓનો 1 વર્ષનો બાળક ગુંજન બપોરે ઘોડિયામાં સુતો હતો આ દરમ્યાન ત્યાં એક કૂતરું આવ્યું હતું અને બાળકને ઘોડિયામાંથી ખેંચીને માથા અને ચેહરાના ભાગે બચકા ભર્યા હતા. બાળકના રડવાનો અવાજ આવતા માતા-પિતા સહિતના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કૂતરાના ચુંગલમાંથી બાળકને છોડાવ્યો હતો.

બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય તેને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તબીબોએ તાત્કાલિક હડકવાના ઈન્જેક્શનો આપવાની સાથે ઈમ્યુનો ગ્લોબીનની સારવાર આપી હતી. તબીબોએ અંદાજીત 4 કલાક સુધી બાળકની સર્જરી કરી હતી. આ બનાવમાં બાળકના ચહેરા પર 100થી વધુ ટાંકા આવ્યા હતા. તેમજ બાળક આઈસીયુમાં સારવાર હેઠળ હતું. દરમ્યાન 20 દિવસની સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું હતું. બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો