બધા માટે પેન્શન યોજના વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે

લોગ વિચાર.કોમ

બધાને માટે પેન્શન યોજના આ વર્ષનાં અંત સુધીમાં લાગુ થવાની સંભાવના છે. પેન્શન સાથે જોડાયેલી પ્રક્રિયા પર કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રાલય કામ કરી રહ્યું છે. આગામી કેટલાંક મહિનામાં પ્રક્રિયાને નિર્ધારીત કરી લેવામાં આવશે. ત્યારબાદ કેબિનેટની મંજુરી માટે મોકલવામાં આવશે.

વધુ યોગદાન કરી શકાશે
જાણવા મળતી વિગત મુજબ કેન્દ્ર સરકાર જે સમાન પેન્શન સ્કીમ લાવી રહી છે તેમાં યોગદાન કરનાર વધુ યોગદાન પણ કરી શકશે. તેમાં અસંગઠીત ક્ષેત્રના લોકોને પણ સામેલ કરવામાં આવશે.

સુત્રોનું કહેવુ છે કે તેમાં ન્યુનતમ યોગદાન સિવાય વધારાની બચતની વધારાની રકમને પણ પેન્શન ખાતામાં નાખી શકાશે તેના હિસાબે સેવા નિવૃત બાદ પેન્શન મળશે.

દાખલા તરીકે એક શ્રમિક દર મહિને પેન્શન ખાતામાં ત્રણ હજાર રૂપિયાનું યોગદાન કરે છે અને વચમાં તેની પાસે 30 કે 50 હજાર રૂપિયાની વ્યવસ્થા છે તો તે રકમને પણ યોગદાન તરીકે જમા કરાવી શકશે.

આ ઉપરાંત પેન્શન શરૂ કરવા સંબંધિત સમયગાળો પણ પસંદ કરવાનો વિકલ્પ મળશે. જેમ કે હાલ 58 વર્ષ છે તો યોગદાન કરનાર તેને 60 વર્ષની વયે પણ શરૂ કરી શકે છે.

રોજગારનું બંધન નહિં રહે
સરકારની કોશીશ છે કે પેન્શન યોજનાનો લાભ દરેક વ્યકિતને મળી શકે તેના માટે રોજગારનું બંધન પણ નહિં રહે.એટલે કે જો કોઈ પોતાની દુકાન ચલાવે છે તો તે પોતાની બચતની કેટલીક રકમ પેન્શન તરીકે ભવિષ્ય માટે સુરક્ષીત કરવા માગે છે તો તે પણ યોજના સાથે જોડાઈ શકે છે.

યોજના સાથે જોડાવવાની ન્યુનતમ વય સીમા 18 વર્ષની છે તેના પછી પણ કોઈપણ વ્યકિત તેમાં યોગદાન આપવુ શરૂ કરી શકે છે. શ્રમ મંત્રાલય વિશેષજ્ઞો અને તમામ અસંગઠીત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના અભિપ્રાય લઈ રહ્યા છે. અનુમાન છે કે વર્ષ 2036 સુધીમાં દેશમાં કુલ વરિષ્ઠોની સંખ્યા 22 કરોડથી વધુ હશે.