નવા કાયદા હેઠળ ગુજરાતમાં બળાત્કાર-હત્યા કેસમાં પહેલી વાર મૃત્યુદંડની સજા

લોગ વિચાર.કોમ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. જઘન્ય ગુનાઓમાં પીડિતોને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે સંકલ્પબદ્ધ છે.

ત્યારે આજે નવા કાયદા હેઠળ માત્ર 72 દિવસમાં ફાંસીની સજાનો પ્રથમ - ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. અંકલેશ્વર સેશન્સ કોર્ટે ભારતીય ન્યાય સંહિતા હેઠળ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

જેમાં ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની નિર્દોષ બાળકી પર થયેલા અપહરણ, પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાના ગુનામાં આરોપી વિજય પાસવાનને માત્ર 72 દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદો નવા કાયદા હેઠળ રાજ્યમાં પ્રથમ ફાંસીની સજા તરીકે નોંધાયો છે, જે ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતાનું પ્રતીક છે.

72 દિવસ પૂર્વે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં બનેલી આ ઘટનાએ સમાજને હચમચાવી દીધો હતો. આરોપીએ બાળકીના શરીર પર 30 જેટલા ઘા અને ગુપ્તાંગમાં સળિયાના ઘા સહિતની અકલ્પનીય ક્રૂરતા દાખવી હતી.

આવા ઘૃણાસ્પદ ગુના સામે કોર્ટે આરોપીને ફાંસીની સજા સાથે 10 લાખ રૂપિયાનું વળતર પીડિત પરિવારને ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો ન્યાયની ઝડપી અને કડક કાર્યવાહીનું ઉદાહરણ બની રહેશે.

ભરૂચ એસ.પી. શ્રી મયુર ચાવડાના નેતૃત્વ હેઠળ રચાયેલી  SITએ ઝીણવટભરી તપાસ હાથ ધરી, જેમાં 10થી વધુ અધિકારીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું. સરકારી વકીલ શ્રી પરેશ પંડ્યાએ નિ:સ્વાર્થ ભાવે આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ શ્રેણીમાં રજૂ કરી ધારદાર દલીલો અને પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.

આ ચુકાદો ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ જગાડે છે અને સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે આવા નરાધમોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. ગુજરાત સરકાર આવા ગુનાઓ આચરનારા તત્વો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરી, ફાંસી સુધીની સજા સુનિશ્ચિત કરવા અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે મક્કમતાથી કામ કરી રહી છે.