ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પોલીસે હેલિકૉપ્ટરના શેપ જેવી એક કારને જપ્ત કરીને એના માલિકને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો છે. વાત એમ છે કે આ કારના પાછળના ભાગને કાઢીને એના પર હેલિકૉપ્ટર જેવી પૂંછડી તૈયાર કરવામાં આવેલી. અલબત્ત, આ માત્ર શો-પીસ જ છે, આ કાર હેલિકૉપ્ટરની જેમ ઊડી નથી શકતી. આવી અતરંગી કાર લગ્નસમારોહમાં દુલ્હા કે દુલ્હનની એન્ટ્રી માટે ભાડે આપવાના કામમાં આવતી હતી. જોકે એ માટે કોઈ પરવાનગી લેવામાં નહોતી આવી. હેલિકૉપ્ટર જેવી પાંખ અને ઉપર નકલી બ્લેડ અને જાયન્ટ બૉડી ફ્રેમને કારણે કાર કોઈ હાઇબ્રિડ વર્ઝનની કાર હોય એવું લાગતું હતું. જોકે આ કાર લઈને તેનો માલિક એમ જ ગામમાં ફરવા નીકળેલો ત્યારે પોલીસની નજરમાં કાર આવી ગઈ હતી. પોલીસે આ રોડ-સુરક્ષાનો ભંગ છે એમ કહીને તેને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો.