લોગ વિચાર :
બોમ્બે હાઈકોર્ટે રેલવેને સવાલ કર્યો હતો કે, શું તે લોકલ ટ્રેનમાં થતા મોતોને રોકી શકયું છે. કોર્ટે કહ્યું હતુ કે, યાત્રીઓને જાનવરથી પણ બદતર હાલતમાં સફર કરવી પડે છે. ચીફ જસ્ટીસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટીસ અમીત બોરકરે કહ્યું હતું કે, આ આપની જવાબદારી છે અને કર્તવ્ય છે.
આપે લોકોના જીવ બચાવવા માટે અદાલતના નિર્દેશ પર નિર્ભર ન રહેવુ જોઈએ. આ વાત હાઈકોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કહી હતી. અરજીમાં લોકલ ટ્રેન સેવા પર થનારા મૃત્યુના સંભવિત કારણો અને સ્થિતિનો સામનો કરવા માટે સૂચનો કરાયા હતા. ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, મને શરમ આવે છે જેવી રીતે લોકલ ટ્રેનોમાં યાત્રીઓની સફર કરાવાય છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈ ઉપનગરીય રેલવે જાપાનના ટોકયો બાદ દુનિયાનું સૌથી વ્યસ્ત રેલવે છે. પણ અહીં દર વર્ષે 2000થી વધુ લોકોના મોત થાય છે. તેમાં 36.8 ટકા મૃત્યુ પાટા પર થાય છે. યાત્રીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે ત્યારે રેલવે સ્ટેશનો પર પાયાનુ માળખુ જૂનુ અને જર્જરીત છે.
અરજદાર યતીન જાધવ તરફથી રજુ થયેલ વકીલ રોહન શાહ અને સુરભી પ્રભુ દેસાઈએ દલીલ કરી હતી કે, રેલવે પાટાઓ પાર કરતી વખતે, ટ્રેન પરથી પડતી વખતે કે પ્લેટફોર્મ પર ટ્રેન વચ્ચે ફસાઈ જવાથી મોતોને દુ:ખ ઘટના કહીને રેલવે હાથ ખંખેરી લે છે.
શાહે જણાવ્યું હતું કે, પોતાના કામ કે કોલેજ જવા માટે બહાર નીકળવું જંગના મેદાનમાં જવા જેવું છે. આદેશમાં કોર્ટે રેલવેને જણાવ્યું હતું કે, અરજદારે ઉઠાવેલા મુદા પર બધા સંબંધીતો ખાસ કરીને રેલવે બોર્ડના સભ્યો અને ક્ષેત્રીય સુરક્ષા કમિશ્નરો સહિત ઉચ્ચ અધિકારીએ તત્કાલ ધ્યાન આપવાની આવશ્યકતા છે.