નીરવ મોદીની 10મી જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી

લોગ વિચાર.કોમ

પંજાબ નેશનલ બેન્ક સાથેના રૂા.14000 કરોડથી વધુના ફ્રોડમાં ફસાયેલા અને હાલ વિદેશમાં જેલમાં રહેલા મામા-ભાણેજમાં મામા મેહુલ ચોકસી બેલ્જીયમમાં કસ્ટડીમાં છે તો તેનો ભાણેજ અને એક સમયનો ડાયમંડ કિંગ નિરવ મોદીને લંડનની કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કરી તેનો જેલવાસ લંબાવ્યો છે.

નિરવ મોદી પ્રત્યાર્પણ મારફત ભારતને સુપ્રત કરવાની કાનુની સહિતની પ્રક્રિયા ચાલુ છે તે સમયે લંડનમાં ન્યાયીક સ્ટડીમાં રહેલા નિરવ મોદીની 10મી જામીન અરજી પણ ફગાવાઈ છે. લંડનની હાઈકોર્ટ ઓફ જસ્ટીસ, કિંગ બ્રાન્ચ ડિવિઝન અદાલતે ભારત સરકાર વતી મજબૂત દલીલો બાદ નિરવ મોદીને જામીન આપવા ઈન્કાર કર્યો હતો.

નિરવ મોદી 19 માર્ચ 2019થી બ્રિટીશ જેલમાં છે તેના પ્રત્યાર્પણની ભારતની અરજી બ્રિટનની હાઈકોર્ટે મંજુર કરી છે પણ નિરવ મોદી નવા નવા કાનૂની માર્ગ પ્રત્યાર્પણ ટાળવા કોશીશ કરી છે.

હવે બ્રિટન સરકારનું વિદેશ વિભાગ આ અંગે નિર્ણય લેશે. નિરવ મોદી અને મેહુલ ચોકસી એ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂા.14000 કરોડથી વધુનું બેન્ક ગેરેન્ટી કૌભાંડ કરીને પછી વિદેશ નાસી ગયા હતા.