લોગ વિચાર :
છેલ્લા કેટલાક સમયથી શાકભાજી (vegetables)ના ભાવમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે જેને પરિણામે ગૃહિણીઓનું બજેટ વિખેરાઇ ગયું છે. મોટાભાગના શાકભાજીના ભાવ રૂા.100ના કિલો છે જેના કારણે લોકો મુંઝણમાં મુકાયા છે. ઉનાળાની ગરમીના કારણે અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવક પર અસર પડી છે. ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન 40 ટકા જેટલો માલ બગડી જાય છે. આથી વેપારીઓને પણ મોટુ નુકશાન વેઠવું પડે છે.
છેલ્લા બે મહિનામાં તમામ શાકભાજીના ભાવ ચારગણા થઇ ગયા છે. હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં મોટાભાગનું શાકભાજી અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી આવી રહ્યું છે. લોકલ આવક ઠપ્પ થતાં વેપારીઓએ ફરજીયાતપણે અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવવું પડે છે.
આ વર્ષે ઉનાળો ખૂબ આકરો રહ્યો હતો. અસહ્ય ગરમીના કારણે શાકભાજી બગડવાનું પ્રમાણ પણ વધ્યું છે. ખાસ કરીને ટમેટામાં બગડવાનું પ્રમાણ વધુ હોય છે. હાલ યાર્ડમાં વટાણા-ફ્લાવર સિમલાથી, કોથમરી ઇન્દોરથી, ગુવાર, મરચા વાપી બોર્ડર, મહારાષ્ટ્રથી બટેટા ડીસાથી, ટમેટા યુપી, રાજસ્થાન, બેંગ્લોર, મહારાષ્ટ્રથી આવે છે. 70 ટકા માલ અન્ય રાજ્યોમાંથી આવે છે.
વરસાદ પડતા જ ભજીયા બનાવવાનું શરૂ થઇ જાય છે. પરંતુ હવે ભજીયા ખાવા મોંઘા પડશે કારણ કે મેથીના ભાવ પણ વધ્યા છે. મેથી-પાલક, કોથમરીનું ઉત્પાદન ઓછું થયું છે. તેમજ ગરમીના કારણે વધુ પ્રમાણમાં બગડી જવાની શક્યતા રહે છે. આથી ખૂબ ઓછી આવક થઇ રહી છે. હાલ મેથી ઇન્દોરથી આવી રહી છે.
અડધોઅડધ શાકભાજીના હોલસેલ ભાવ રૂા.50ના કિલો છે. રીટેઇલના રૂા.100 થી 120ના કિલો થઇ ગયા છે. ગત માર્ચના બટેટાના હોલસેલ ભાવ (20 કિલો) 320 હતા. ત્યારે બટેટાના રૂા.300 થી 611 તેવી જ રીતે માર્ચમાં ડુંગળીનો ભાવ રૂા.110 થી 350 હતો જે ડબલ થઇ હાલ રૂા.200 થી 600 અને ટમેટાનો રૂા.200-300 હતો જે ચાર ગણો વધી ગયો છે. 600 થી 1200 ભાવ થઇ ગયો છે.
આજે યાર્ડમાં 30 શાકભાજીની હરાજી થઇ જેમાંથી 15 શાકભાજીના ભાવ રૂા.200થી 1000થી વધુ નોંધાયા હતા. યાર્ડમાં શાકભાજીના કિલોએ ભાવ લીંબુના રૂા.37 થી 70, કોથમરીના રૂા.50 થી 80, રીંગણા રૂા.10 થી 15, કોબીજના રૂા.12 થી 20, ફુલાવર રૂા.17 થી 30, ભીંડો રૂા. 37 થી 50, ગુવારના રૂા.40 થી 62, ચોળાસીંગ રૂા.25 થી 40, ટીંડોળા રૂા.30 થી 50, કારેલા રૂા. 25 થી 40, મેથીના રૂા.80 થી 100, ડુંગળીના રૂા.40 થી 60, આદુના રૂા.110 થી 120, મરચા રૂા.30-50 ભાવ બોલાયા હતાં.
યાર્ડના વેપારીઓનું કહેવું છે કે, હવે વરસાદ જ એક માત્ર ઉપાય છે. વરસાદ પડ્યા બાદ જ લોકલ આવક શરૂ થશે અને લોકલ આવક યાર્ડમાં માલ ઠલવાશે તો ભાવ ઘટશે હજુ 15 દિવસ પરિસ્થિતિ આવી જ રહેશે.