હરિયાણાની મોડેલ-અભિનેત્રી ચર્ચામા : તેણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નરેન્દ્ર મોદીના ચિત્રવાળો નેકલેસ પહેર્યો

લોગ વિચાર.કોમ

ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ વર્ષે ઘણી ભારતીય હસ્તીઓ આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચી છે. રુચિ ગુજ્જર નામની એક મોડલ-ઍક્ટ્રેસ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી હતી. આમ તો તે જાણીતી નથી, પણ રેડ કાર્પેટ પર રુચિના ડ્રેસિંગ અને ખાસ કરીને ગળાના હારના કારણે લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું કારણ કે રુચિએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોથી ડિઝાઈન કરેલો હાર પહેર્યો હતો.

2023માં મિસ હરિયાણાનું ટાઇટલ જીતનાર મોડલ અને અભિનેત્રી રુચિ ગુજ્જરનું કહેવું છે કે આ હાર પહેરીને તેણે નરેન્દ્ર મોદી પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું છે. રુચિ પરંપરાગત રાજસ્થાની પોશાકમાં રેડ કાર્પેટ પર ઊતરી હતી. કાનમાં રુચિનો લુક ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક રજૂ કરી રહ્યો હતો.

આ હારની પસંદગી વિશે રુચિ ગુજ્જરે જણાવ્યું હતું કે ‘મેં જે હાર પહેર્યો છે એ માત્ર ઝવેરાત નથી, પરંતુ એનાથી કંઈક વધુ છે. આ શક્તિ, દૂરદર્શિતા અને વિશ્વ મંચ પર ભારતના ઉત્થાનનું પ્રતીક છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એને પહેરીને હું મારા દેશના વડા પ્રધાનનું સન્માન કરવા માગતી હતી કારણ કે તેમના નેતૃત્વે ભારતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે.’