લોગ વિચાર.કોમ
ગુજરાતમાં કોરોના વધુ વકરી રહ્યો હોય તેમ આજે નવા કેસોની સંખ્યામાં મોટો વધારો થયો હતો અને રાજયમાં કુલ કોરોના સંક્રમીત દર્દીઓનો આંકડો 190 થયો હતો. જો કે, મોટાભાગના દર્દીઓમાં લક્ષણો હળવા હોવાથી હોમ આઈસોલેશનમાં જ હોવાના નિર્દેશ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અનેક જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાંથી 131, રાજકોટ કોર્પોરેશનમાંથી 15, જામનગર કોર્પોરેશનમાંથી 10, મહેસાણામાંથી 6, ગાંધીનગર કોર્પોરેશનમાંથી 5, ભાવનગર કોર્પોરેશનમાંથી 4, કચ્છમાંથી 3, બનાસકાંઠામાંથી 2, ખેડામાંથી 2, આણંદ-ભરૂચ-પાટણ-વલસાડમાંથી 1-1 નવા કેસ સામે આવ્યા છે.
મોટાભાગના દર્દી હાલ ઘરમાં જ સારવાર હેઠળ છે
ગુજરાતમાં 19 મેના કોવિડ પોઝિટિવનો આંક 7 હતો. આમ, 10 દિવસમાં કોવિડ પોઝિટિવનો આંક 183 જેટલો વધી ગયો છે. કોવિડ પોઝિટિવ દર્દીમાં કયો વેરિયન્ટ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
અત્યારસુધી સત્તાવાર રીતે માત્ર એક દર્દીમાં નવો વેરિયન્ટ મળી આવ્યો છે. રાહતની વાત એ પણ છે કે, કોવિડના મોટાભાગના દર્દી હાલ ઘરમાં જ સારવાર હેઠળ છે. તબીબોના મતે, કોવિડની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને ડરવાની કોઈ જરૂર નથી.