જ્યાં સુધી નવી નીતિ ન બને ત્યાં સુધી ગેમિંગ ઝોન સહિતની જગ્યાઓ બંધ રહેશે
લોગ વિચાર :
રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનાર ટીઆરપી ગેમઝોનનાં અગ્નિકાંડ બાદ મહાનગરો સહીત રાજયભરનાં ગેમીંગઝોન બંધ કરી દેવાયા જ છે. ઉપરાંત ફાયર એનઓસી સહીતના કાયદાનું પાલન ન હોય તેવા સ્થળોનાં સંચાલકો સામે એફઆઈઆરના આદેશ થયા છે હવે રાજય સરકારે મનોરંજનની વ્યાખ્યામાં આવતા તમામ સ્થળો માટે નવા કડક નિયમો સાથેની ગાઈડલાઈન બનાવવાનું નકકી કર્યું છે અને ત્યારબાદ જ આવા સ્થળો ખોલવાની છુટ આપવામાં આવશે.
રાજય સરકારનાં સુત્રોએ કહ્યું કે, ગેમીંગઝોન સાવચેતી ખાતર બંધ કરવામાં આવ્યા છે. તમામ ઝોન અસુરક્ષીત હોવાનો અર્થ ન કાઢી શકાય. પરંતુ તે નાગરીકો માટે સંપૂર્ણ સુરક્ષીત રહે તેવો આશય છે.સરકાર દ્વારા હવે નવી એન્ટરટેઈનમેન્ટ (મનોરંજન) ઝોન પોલીસી જ તૈયાર કરવામાં આવી છે. તેમાં સુરક્ષાનાં તમામ પાસાઓને આવરી લેવામાં આવશે. માત્ર ગેમીંગઝોન જ નહિં પરંતુ વોટરપાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, બોટીંગ સહીત મનોરંજન હેઠળ આવતા તમામ ક્ષેત્રોને આવરી લઈને નવી ગાઈડલાઈન પ્રમાણે સંચાલન ફરજીયાત કરાશે.
રાજય સરકાર દ્વારા તુર્તમાં નવી પોલીસી જાહેર કરવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા તેના નિયમો નોટીફાઈડ કરવામાં આવે. રાજકોટનાં અગ્નિકાંડ બાદ રાજયભરમાં સરકારી તંત્રની લાપરવાહી સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો હોવાને કારણે સરકાર વધુ સાવધ બનીને હવે નવુ કોઈ જોખમ લેવા માંગતી ન હોય તેમ તમામ ગેમઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે.
રાજયનાં આઠ મહાનગરોનાં 101 ગેમીંગઝોન પૈકીનાં 20 સીલ કરાયા છે અને બાકીના 81 હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. આઠ મહાનગરો પૈકી અમદાવાદમાં સૌથી વધુ 24 ગેમઝોન હતા તેમાંથી 5 સીલ કરાયા છે અને 29 બંધ કરાયા છે. રાજકોટનાં 12 માંથી 8 ગેમઝોન સીલ થયા છે અને 4 બંધ કરાયા છે.
જુનાગઢનાં 4 માંથી એકપણ ગેમઝોનમાં નિયમોનું પાલન ન હોવાનું ધ્યાને આવતા ચારેય સીલ કરાયા છે. ભાવનગરમાં 7 માંથી 3 સીલ કરાયા છે અને 4ને નવી સુચના સુધી બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે.જામનગરનાં 1, સુરતના 12, વડોદરાનાં 16 તથા ગાંધીનગરનાં 15 ગેમઝોન બંધ કરવામાં આવ્યા છે.
સુત્રોના કહેવા પ્રમાણે માત્ર ગેમઝોન જ નહી મનોરંજનના અન્ય ક્ષેત્રોની કાયદેસરનાં વિશે પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ફાયર એનઓસી કમ્પલીશન સર્ટીફીકેટ સહિતના નિયમોનું પાલન છે કે કેમ તેની ચકાસણી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકો ભડથુ થઈ ગયા હતા. ગેમઝોનનાં સંચાલકોએ કાયદાનો ઉલાળીયો કર્યો હતો. પોલીસ કોર્પોરેશન સહીતનાં વિભાગોની લાપરવાહીનો ખુલાસો થવા સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસ-મ્યુનિસિપલ કમીશ્નર સહીત ચાર આઈપીએસ, આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.