એક શ્વાન તેના માલિક તીર્થયાત્રા પર ગયો અને ખોવાઈ ગયો : 250 કિ.મી. કાપી ઘરે પરત આવ્યો!

લોગ વિચાર :

પ્રાણીઓની, ખાસ કરીને કુતરાની છઠ્ઠી ઈન્દ્રીય બહુ જ સતેજ હોવાનું ઘણી વાર સાંભળ્યું છે, પરંતુ કર્ણાટકના એક ગામના લોકોએ જોયું પણ ખરું. બન્યું એવું કે બેલગાવી જિલ્લાના કમલેશ કુંભર જૂનના છેલ્લા અઠવાડિયામાં મહારાષ્ટ્રના તીર્થસ્થાન પંઢરપુરની જાત્રા કરવા નીકળ્યા હતા. તેમનો પાલતુ શ્વાન મહારાજ પણ સાથે ચાલી નીકળ્યો.

250 કિલોમીટરની યાત્રામાં વિઠોબા મંદિરના દર્શન કર્યા પછી મહારાજ ખોવાઈ ગયો. કુંભર આસપાસ બહુ તપાસ કરી, લોકોને પૃચ્છા કરી, પરંતુ કયાંયથી કુતરાની ભાળ ન મળી. કુતરો કોઈ મંડળી સાથે જતો રહ્યો હોવાનું કોઈએ કહેતાં કુંભર નિરાશ થઈ પાછા જતા રહ્યા.

બીજા દિવસે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઘરની સામે તેમનો વહાલો મહારાજ બેઠો હતો. તેમના કહેવા પ્રમાણે આ ઈશ્વરનો ચમત્કાર છે. ભગવાન પાંડુરંગના માર્ગદર્શનથી મહારાજ પાછો આવી ગયો છે. ઘટનાને ચમત્કારિક ગણીને ગામ લોકોએ કુતરાનું ફુલહારથી સ્વાગત કર્યું, ગામમાં યાત્રા પણ કાઢી અને ભોજનસમારંભ પણ યોજયો હતો.