લોગવિચાર :
રાજ કપૂરનાં ચાહકો માટે તેમની 100મી જન્મજયંતિ પર મોટી ભેટ આપવામાં આવી છે. આરકે ફિલ્મ્સ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, એનએફડીસી, એનએફએઆઈ અને સિનેમા સંયુક્ત રીતે ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યાં છે. તેનું શીર્ષક છે ’રાજ કપૂર 100 - સેલિબ્રેટિંગ ધ સેન્ટેનરી ઓફ ધ ગ્રેટેસ્ટ શોમેન’. આ ત્રણ દિવસીય ઉત્સવ 13 ડિસેમ્બરથી શરૂ થશે અને 15 ડિસેમ્બર સુધી ચાલશે. આ અંતર્ગત રાજ કપૂરની 10 ફિલ્મો 40 શહેરો અને 135 થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવશે.
આટલું જ નહીં, ખાસ વાત એ છે કે ફેસ્ટિવલમાં બતાવવામાં આવતી ફિલ્મોની ટિકિટની કિંમત માત્ર 100 રૂપિયા હશે. રાજ કપૂરની ફિલ્મોમાં આગ, બરસાત, આવારા, શ્રી 420, જગતે રહો, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ, સંગમ, મેરા નામ જોકર, બોબી અને રામ તેરી ગંગા મૈલી જેવી ફિલ્મો આ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે.
હિન્દી સિનેમામાં શોમેનનું અમૂલ્ય યોગદાન
ભારતીય સિનેમાનાં પ્રથમ શોમેન તરીકે જાણીતાં રાજ કપૂર એવાં વ્યક્તિ હતાં જેમણે ક્યારેય બિઝનેસને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવી ન હતી. તેમને સિનેમા પ્રત્યે અનોખો લગાવ હતો. દર્શકો તેમની ફિલ્મો સાથે એ જ જોશથી જોડાતાં હતાં જે જોશથી તેઓ ફિલ્મો બનાવતાં હતાં. રાજ કપૂરે તેમની 50 વર્ષની કારકિર્દીમાં કેમેરાની સામે અને પાછળ ઘણાં મહાન કાર્યો કર્યા છે. જેનાં માટે તેમને 3 રાષ્ટ્રીય પુરસ્કારો, 11 ફિલ્મફેર ટ્રોફી, પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ તેમને નવાજવામાં આવ્યાં હતાં.
રાજ કપૂરને મળેલાં એવોર્ડ
રાજ કપૂરને 1971 માં પદ્મ ભૂષણ અને 1988 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. શ્રી 420 માટે તેમણે 1953 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો અને અનુક્રમે 1953 અને 1955 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રાઈઝ મળ્યું હતું.
આઇએફએફઆઇ 2024 માં રાજ કપુરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
આ વર્ષની શરૂઆતમાં, ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ફેસ્ટિવલ ડેસ 3 કોન્ટિનેન્ટ્સ અને તાજેતરમાં જ ગોવામાં પૂરા થયેલાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયાએ સ્ક્રીનિંગ અને ચર્ચાઓ સાથે રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય સિનેમાનાં ’શોમેન’ ગણાતાં, રાજ કપૂરનાં સ્ક્રીન પાત્રો અને ફિલ્મોને માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ, ખાસ કરીને અગાઉનાં સોવિયેત સંઘ અને મધ્ય પૂર્વમાં ચાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
રણબીર કપૂરે કહ્યું
રાજ કપૂરની ફિલ્મો અને ફિલ્મ નિર્માણની ચર્ચા કરતાં, રણબીર કપૂરે આઇએફએફઆઇ ખાતે સ્વીકાર્યું કે તે અભિનેતા રાજ કપૂર કરતાં ફિલ્મ નિર્માતા રાજ કપૂરનો મોટો ચાહક છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે રાજ કપૂરની સમગ્ર કારકિર્દી દરમિયાન ફિલ્મોમાં સમાજવાદી સુધારાનાં સંદેશા હતાં. તેમણે કહ્યું કે આવારામાં જાતિવાદને સંબોધ્યો હતો અને શ્રી 420 એ લોભને સંબોધ્યો હતો. માત્ર ભારતમાં જ નહીં, રાજ કપૂરનાં સ્ક્રીન પાત્રો અને ફિલ્મોને વિદેશમાં પણ ચાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. તેમનાં પાત્રો અને ગીતો સોવિયેત યુનિયન અને મધ્ય પૂર્વમાં અત્યંત લોકપ્રિય હતાં.
અમિતાભ બચ્ચને કહ્યું કે, રાજ કપૂરનું જીવન એક સેલિબ્રેશન હતું’
અમિતાભ બચ્ચને કહ્યું કે રાજ કપૂર ખરેખર ભારતનાં મહાન શોમેન હતાં. તેમના માટે જીવન એક સેલિબ્રેશન હતું અને મને ખાતરી છે કે તેઓ તેમની ફિલ્મોને મોટા પડદા પર પાછી જોઈને ખુશ થશે. તે એક કલાકાર હતાં જે સિનેમા માટે જીવતાં હતાં. આજે પણ આવારા એક ફિલ્મ છે જે મારાં મગજમાં કોતરાયેલી છે. નવાં સ્વતંત્ર ભારતમાં બનેલી આ ફિલ્મમાં સમાજવાદ હતો, અને આ ફિલ્મ તે સમયને પ્રતિબિંબિત કરતી હતી.
રાજ કપૂરની અદ્ભુત શોમેનશિપ વિશે વાત કરતાં અમિતાભે કહ્યું કે રાજ કપુરે ફિલ્મમાં ડ્રીમ સિક્વન્સની જે રીતે કલ્પના કરી હતી તે પહેલાં ક્યારેય જોવા મળી ન હતી. તેમની અદભૂત કલ્પનાથી તમે આશ્ચર્યચકિત થઈ જશો.
પ્રદર્શિત થનારી ફિલ્મો
આગ
બરસાત
આવારા
શ્રી 420
જગતે રહો
જીસ દેશ મેં ગંગા બહેતી હૈ
સંગમ
મેરા નામ જોકર
બોબી
રામ તેરી ગંગા મૈલી