દાદીના માથાની મધ્યમાં એક શિંગડા જેવો ગ્રોથ થયો

લોગવિચાર :

હોલીવુડમાં પ્રાણીઓના માથે શિંગડું ઊગ્‍યું હોય એવાં પાત્રો ધરાવતી ફિલ્‍મોની યુનિકોર્ન સિરીઝ ફેમસ છે. આ ફિલ્‍મોમાં માથે શિંગડું ઊગ્‍યું હોય એવો હોર્સ જોવા મળે છે. જોકે ઇન્‍ટરનેટ પર એક યુનિકોર્ન દાદીએ તહેલકો મચાવ્‍યો છે. આ દાદીના માથા પર વચ્‍ચોવચ્‍ચ એક શિંગડા જેવો ગ્રોથ થયો છે. ટિક-ટોકના ચીની વર્ઝન ડોઇન પર ચેન નામનાં માજીનો વિડિયો વાઇરલ થયો છે. આ માજી ૧૦૭ વર્ષનાં છે. ચેનનું કહેવું છે કે આ માથે ઊગેલું શિંગડું જ મારા માટે દીર્ઘાયુ વરદાન લઈને આવ્‍યું છે. ચેનના માથા પર ઊગેલું શિંગડું ધીમે-ધીમે વધી રહ્યું છે. ડોક્‍ટરોનું કહેવું છે કે લાંબો સમય તડકામાં રહેવાને કારણે આવું થયું છે, પણ એનાથી તેમના સ્‍વાસ્‍થ્‍યને કોઈ જોખમ નથી.

ચેનબહેન કંઈ પહેલવહેલાં નથી કે જેમના માથે શિંગડું ઊગ્‍યું હોય. આ પહેલાં ભારતના શ્‍યામ લાલ યાદવ નામના ૭૫ વર્ષના કાકાના માથે પણ આવું યુનિકોર્ન ઊગ્‍યું હતું. ડોક્‍ટરોએ સર્જરી કરીને ચાર ઇંચનું શિંગડું કાઢી નાખ્‍યું હતું.