એક ગામ જ્યાં બાળકો સાપને ગળામાં વીંટાળીને ફરે છે

લોગ વિચાર :

ભારત દેશ વિવિધતાથી ભરેલો છે, અને તેમાં પણ ખાસ કરીને ગામડાંમાં ઘણી વિવિધતા જોવા મળતી હોય છે. ખરેખર જોઈએ તો સાચું ભારત શહેરોમાં નહીં પરંતુ ગામડાઓમાં રહે છે. ભારતમાં મોટાભાગના લોકો ખેતી કરે છે અને દેશની તરક્કીમાં ગામડાંઓનો જ મોટો ફાળો રહેલો છે. ભારતમાં લાખો ગામો છે અને દરેક ગામની પોતાની આગવી ઓળખ છે. શું તમે જાણો છો કે ભારતમાં એક એવું ગામ છે, જ્‍યાં દરેક ઘરમાં સાપ રહે છે. આવો આજે આ ગામ વિશે વિસ્‍તળતમાં જાણીએ.

ભારતમાં એવાં કેટલાય ગામો છે, જે પોતાની અનોખી પરંપરાઓ અને રીતરિવાજો માટે જાણીતા છે. અને તેમાનું એક ગામ મહારાષ્‍ટ્રનું શેતપાલ છે, જેને ‘સાપનું ગામ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામની સૌથી ખાસ વાત એ છે કે અહીં લગભગ દરેક ઘરમાં સાપ જોવા મળે છે.

શેતપાલ ગામના દરેક ઘરમાં તમને કોબ્રા જેવા ખતરનાક સાપ જોવા મળશે, જે સરળતાથી ઘરોમાં ફરતાં હોય છે.

માહિતી પ્રમાણે એવું કહેવાય છે કે, અહીંના સાપ કયારેય કોઈ માણસને કરડતો નથી. કદાચ આ જ કારણ છે કે, અહીંના લોકો સાપની આટલી નજીક રહે છે. જોકે, બહારગામથી આવતાં લોકો સાપના ડરથી આ ગામમાં આવતા થોડા ડરે છે.

નવાઈની વાત તો એ છે કે, અહીંના લોકો સાપથી બિલકુલ ડરતા નથી. પરંતુ તેઓ સાપને દેવતા માને છે અને તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. એક મહત્ત્વની વાત એ પણ છે કે, ગામલોકો પણ સાપને રહેવા માટે તેમના ઘરમાં અલગ જગ્‍યા બનાવે છે, જેને તેઓ ‘દેવસ્‍થાનમ' કહે છે.

શેતપાલ ગામ તેના આ અનોખા રિત- રિવાજોને કારણે વિશ્વભરમાં પ્રખ્‍યાત છે. આ ગામને જોવા માટે ઘણા લોકો દૂર-દૂરથી લોકો અહીં આવે છે. એવું પણ કહેવાય છે કે અહીં આવનારા લોકો દૂધ અને ઈંડા પણ સાથે લઈને આવે છે. તેની પાછળનું રહસ્‍ય એવુ છે, આવું કરવાથી તેમનું ભાગ્‍ય ખુલે છે.