લોગવિચાર :
બોલિવૂડમાં હોરર ફિલ્મોનો પોતાનો એક યુગ રહ્યો છે. પચાસ અને સાઠના દાયકામાં ‘મહલ’, ‘વો કૌન થી’ અને ‘કોહરા’ જેવી હોરર ફિલ્મોનો દબદબો હતો. ત્યારપછી રામસે બ્રધર્સની હોરર ફિલ્મોનો યુગ આવ્યો, ત્યારબાદ રામ ગોપાલ વર્માની થ્રિલર-હોરર અને વિક્રમ ભટ્ટની ભૂતિયા ફિલ્મો આવી. પરંતુ વર્તમાન સમયમાં, હોરર-કોમેડી ફિલ્મો જોરમાં છે, તેથી તેનો અર્થ એ છે કે હોરર ફિલ્મોને હંમેશા દર્શકો મળ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને, દિગ્દર્શક અભિનવ પારીક ’અ વેડિંગ સ્ટોરી’ નામની ફિલ્મ લઈને આવ્યા છે.
‘અ વેડિંગ સ્ટોરી’ની વાર્તાની શરૂઆત ભારદ્વાજ પરિવારમાં મૃત્યુ સાથે થાય છે. આ પરિવારમાં તરૂણ નૈન (લક્ષવીર સરન)ના પિતા પંચક કાળ દરમિયાન મૃત્યુ પામે છે. વૈદિક જ્યોતિષ અનુસાર જે વ્યક્તિનું મૃત્યુ પંચક કાળમાં થાય છે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવી સ્થિતિમાં મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી. આત્માની શાંતિ માટે અને અશુભ ઘટનાઓથી બચવા માટે મૃતક વ્યક્તિના પરિવારજનોએ પાંચ પૂતળાઓ સાથે વિધિ કરવાની હોય છે, નહીં તો પરિવારને અચાનક અકસ્માતમાંથી પસાર થવું પડે છે, પરંતુ વિદેશમાં અભ્યાસ કરીને પરત ફરેલા યુવકે આ ધાર્મિક અંધશ્રદ્ધા છે તેમ કહી આવું કરવાનો ઇન્કાર કરે છે અને તે પૂતળા ફેંકી દે છે. ત્યાર બાદ પરિવારમાં ઘણી બધી અશુભ ઘટનાઓ બને છે.
દિગ્દર્શક અભિનવ પારીકે હોરર પૃષ્ઠભૂમિને વણી લેવા માટે પંચક કાલ જેવા રસપ્રદ આધારને પસંદ કર્યો. આ અશુભ સમય સાથે જોડાયેલી વાર્તાઓ જાણીતી છે, પરંતુ તેને સિનેમાના પડદા પર પહેલીવાર એક્સપ્લોર કરવામાં આવી છે. દિગ્દર્શક અભિનવે પહેલા જ સીનમાં ભયાનક વાતાવરણ ગોઠવ્યું છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે, પરંતુ પંચક કાળથી સંબંધિત તથ્યો દર્શકોને આશ્ર્ચર્યચકિત કરે છે. વાર્તામાં સુસંગતતાનો અભાવ છે. ફિલ્મમાં પાછળથી એક ડરામણો સીન છે, પરંતુ પછીનો સીન તેની સાથે જોડતો નથી. જેના કારણે અનેક દ્રશ્યો અસંગત બની જાય છે. આ પ્રકારની હોરર સ્પેસમાં પાર્ટી સોંગ વાર્તામાં ખલેલ પહોંચાડે છે.
વાર્તામાં એવા ઘણા પ્રશ્ર્નોે છે જેના જવાબ દર્શકોને મળતા નથી. ખાસ કરીને ફિલ્મનો ક્લાઈમેક્સ ખૂબ જ ઉતાવળે ખતમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દહેરાદૂનના નયનરમ્ય સ્થાન પર સુપ્રતિમ ભોલની સિનેમેટોગ્રાફી ડરામણી અને અંધકારમય વાતાવરણને જાળવી રાખે છે. સુચેતા ભટ્ટાચારજીનું સંગીત યોગ્ય છે, પરંતુ રાહી સૈયદનો બેકગ્રાઉન્ડ સ્કોર હોરર પ્રમાણે ઠીક છે. અભિનય ફિલ્મનો મજબૂત મુદ્દો છે. વૈભવ નિરંકુશ વિક્રમ તરીકે એક છાપ છોડે છે. જ્યારે મુક્તિ પ્રીતિના રોલમાં શાનદાર અભિનય કરે છે. તેની અને વૈભવ વચ્ચેની કેમેસ્ટ્રી પડદા પર ખીલે છે. બંનેની જોડી સ્ક્રીન પર સારી લાગે છે.