લોગ વિચાર :
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતની જેમ રણમાં રેતીના ઢગલા વચ્ચે જ્યાં તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે તેવી જગ્યાએ આ મહિલા ખેડૂતે શિમલાના સફરજન ઉગાડીને કમાલ કરી દેખાડયો છે.
રાજસ્થાનનું થાર તેના રણ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, આ રણ એકદમ સૂકું છે. અહીં ઉનાળામાં તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, પરંતુ હવે આ રણ બદલાઈ રહયું છે. મૂળ હિમાલયના ખોળામાં ઉગતા સફરજને થારની ગરમ અને શુષ્ક ધરતીને પોતાનું ઘર બનાવી લીધું છે. અહીંના સીકર અને જુનજુનુંના ખેડૂતો માટે જે અશક્ય લાગતું હતું, તે હવે સફળ થયું છે. જે હવે ફળો માટેના ઠંડા વાતાવરણની પારંપરિક માન્યતાને દૂર કરી રહયા છે.
સીકરના બેરી ગામના ખેડૂત સંતોષ ખેદાર ક્યારેય નહોતું વિચાર્યું કે તેમનો નાનકડો પ્રયોગ સફરજનની વાડીમાં બદલાઈ જશે. ગુજરાતમાં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૧૫માં તેમને આપવામાં આવેલ એક છોડ સફરજનના મોટા ખેતરમાં ફેરવાઈ ગયો છે, જે પ્રત્યેક સીઝનમાં ૬૦૦૦ કિલોથી વધુ ફળનું ઉત્પાદન આપે છે.
ખેડૂત સંતોષના પુત્ર રાહુલે કહ્યું કે, ‘‘અમારી પાસે રાજસ્થાન ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સીનું ઓર્ગેનિક ફાર્મિંગ સર્ટિફિકેટ છે, જેથી જો હિમાચલ અને કાશ્મીરના સફરજનની માર્કેટ પ્રાઇસ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો હોય, તો અમે તેને ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો પર વેચી રહયા છીએ.'' જણાવી દઈએ કે રાહુલે એગ્રિકલ્ચરનો અભ્યાસ કર્યો છે અને પરિવારના ખેતરોનું ધ્યાન પણ રાખે છે.
આ પરિવારે પોતાના ૧.૨૫ એકરના ખેતરમાં લાંબા સમયથી લીંબુ, જામફળ અને મોસંબીની ખેતી કરી છે, પરંતુ સફરજનનું વૃક્ષ તેમને કલ્પના સમાન લાગતું હતું. સંતોષે કહયું, ‘‘શરૂઆતમાં અમને શંકા હતી.'' ‘‘અમે છોડને પાણી આપ્યું જરૂરિયાત અનુસાર ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કર્યો. એક વર્ષ બાદ અમે તેની પર સફરજન ઉગતા જોયા હતા.''
શરૂઆતમાં તેમના વિચાર પર પાડોશી હસ્યા હતા અને તેમની મજાક ઉડાવી હતી, પરંતુ સંતોષના વૃક્ષે તેમના અવિશ્વાસની ચિંતા નહોતી કરી. બીજા વર્ષમાં આ વૃક્ષથી લગભગ ૪૦ કિલો ફળ મળ્યા હતા.
આ અનિશ્ચિત સફળતાનો રાઝ સફરજનની ણ્ય્પ્ફ-૯૯ વેરાયટી છે, જેને ખાસ વધુ પડતા તાપમાનને સહન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. રાહુલે કહ્યું, ‘‘આ જાત શુષ્ક વિસ્તારોમાં ઉગી શકે છે, જ્યાં ઉનાળામાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે.'' આ પરિણામો જોઈને સંતોષ અને તેના પરિવારે વધુ રોપા ખરીદ્યા અને પોતાની વાળીને ૧૦૦ વૃક્ષો સુધી વધારવા માટે ગ્રાફિ્ટંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. તેમણે કહયું, ‘‘અબ તો પાની ભી કોની લાગે જ્યાદા (હવે તો પાણી પણ વધુ નથી જોઇતું).''
સફરજનના વૃક્ષને મેચ્યોર થયા બાદ ખૂબ ઓછી સિંચાઇની જરૂર પડે છે. હોર્ટિકલ્ચરના ડેપ્યુટી ડિરેક્ટર મદનલાલ જાટે કહયું, ‘‘જયારે છોડ ૫ વર્ષનો થઇ જાય છે, તો તેને દર બે સપ્તાહે એક જ વખત પાણીની જરૂર પડે છે.'' ‘‘ફેબ્રુઆરીમાં ફૂલ આવવાની શરૂઆત થઇ જાય છે અને જૂન સુધી સફરજન કાપણી માટે તૈયાર થઇ જાય છે.''
જે લોકો એક સમયે સંતોષની મજાક ઉડાવતા હતા, હવે તેઓ તેમનાં પગલે ચાલવા ઉત્સુક છે. તેમણે પોતાની સ્થાનિક ભાષામાં કહયું, ‘‘જો માન્યા કોન્યા વે ઇબ પોધો માંગે હૈ.'', એટલે કેઃ ‘‘જે લોકો વિશ્વાસ નહોતા કરતા, તેઓ હવે છોડ માંગે છે.'' નજીકના કટરાથલ ગામના ખેડૂત મોહિત ચૌધરીએ ૫૦ સફરજનના વૃક્ષો વાવ્યા છે. હોર્ટિકલ્ચર અધિકારી જાટને આ ટ્રેન્ડ વધતો જણાય છે. તેમણે કહયું કે, ‘‘૧૦ વર્ષ પહેલાં બાડમેરમાં લોકો ખજૂર અને દાડમની ખેતી કરતા હતા. હવે ચિત્તોડગઢ અને ભીલવાડામાં ખેડૂતો સ્ટ્રોબેરી ઉગાડી રહ્યા છે.'' તેમણે કહયું, ‘‘પાંચ વર્ષમાં સફરજનની ખેતી વધુ વિસ્તારોમાં પણ ફેલાઈ શકે છે.''