લોગ વિચાર.કોમ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના એક યુવકે પલંગને કારમાં તબદીલ કરી દીધો છે. પલંગ પર ગાદલું, ચાદર અને તકિયા પણ છે.
પલંગના છેવાડે ટેકો દેવાની આડશ પાસે નીચે બેસવાની સીટ જેવું બનાવ્યું છે. એ સીટની અંદર સ્ટીઅરિંગ અને કાર ચલાવવાની સંપૂર્ણ મશીનરી સમાઈ જાય છે. ચાર પાયાની જગ્યાએ ચાર વ્હીલ્સ છે અને મોટર અને એન્જિન વગેરે પલંગની બોડીમાં સમાઈ જાય છે.
ઈદ દરમ્યાન આ યુવક રોડ પર આ અતરંગી કાર લઈને ફરતો દેખાયો હતો. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી જે વીડિયો શેર થયો છે એમાં તે ફુલ સ્પીડમાં આ પલંગ, સોરી કાર ચલાવી રહ્યા છે. વચ્ચે તો ભાઈસાહેબ ઊભા થઈને શાહરૂખ ખાનની જેમ બે હાથ ફેલાવીને ખાસ પોઝ પણ આપે છે.
આસપાસના લોકો તો અચંબિત છે જ, પણ વિડિયો જોનારા બધાને જલસો પડી ગયો છે. 3.77 કરોડથી વધુ લોકો આ વિડિયો જોઈ ચૂક્યા છે. એક જણે તો મસ્ત કમેન્ટ કરી છે, ‘જ્યારે બાપા કહે કે મારા ઘરમાંથી બોરિયા-બિસ્તરા લઈને નીકળી જા ત્યારે આ કામ લાગે.’ તો બીજાએ કમેન્ટ કરી છે, ‘આ જુગાડ ઇન્ડિયામાંથી બહાર ન જવો જોઈએ. આ કારીગરને પાંચ લાખ નહીં, પચાસ લાખ આપવા જોઈએ.’