આરાધ્યા બચ્ચને ફરી હાઈકોર્ટમાં અરજી કરી : મારા વિશેની અફવાઓ બંધ કરો : આ ખોટું છે!

લોગ વિચાર :

સ્ટાર કપલ અભિષેક અને ઐશ્વર્યાની દીકરી અને અમિતાભ બચ્ચનની 13 વર્ષની પૌત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં ફરી પાછી અરજી કરી છે કે, ગુગલ સહિત બોલીવૃડ ટાઈમ્સ અને અન્ય પ્લેટફોર્મ પર તેની હેલ્થને લઈને ખોટા વિડિયો મૂકવામાં આવ્યા છે કે તે બીમાર છે અને કેટલાકમાં તો તે મૃત્યુ પામી હોવાની ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.

એના પર રોક લગાડવામાં આવે. એથી ગુગલ અને અન્યોને આ બાબતે હવે કાયદેસરની નોટિસ મોકલાવવામાં આવી છે. કોર્ટે હવે પછીની સુનાવણી 17 માર્ચે રાખી છે. પહેલાં એપ્રિલ 2023માં દિલ્હી હાઈકોર્ટે ગુગલને એ ખોટી માહિતી ફેલાવતા વિડીયો કાઢી લેવા જણાવ્યું હતું.

એ વખતે જસ્ટિસ સી.હરિશંકરે આવી ખોટી માહિતી ફેલાવવા બદલ આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યુ હતું કે, દરેક બાળકનું ગૌરવ અને સન્માન જળવાવું જોઈએ.

સગીરો બાબતે આવી ખોટી માહિતી ફેલાવવી એ કાયદાની વિરૂદ્ધ છે. કોર્ટે ગૂગલને કહ્યું હતું કે, એ વિડીયો રિમૂવ કરવામાં આવે અને એ કોણે અપલોડ કર્યો હતો એની માહિતી આપે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું.કે, આવી કન્ટેન્ટને બ્લોક કરવામાં આવે, સાથે જ ગૂગલને પણ નિયમ પાળવા જણાવ્યું હતું.