લોગવિચાર :
જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર મુશ્કેલીમાં મુકાયા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર રાજધાની દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ‘ગરમ ધરમ ઢાબા’ સાથે સંબંધિત છેતરપિંડી મામલે ધર્મેન્દ્ર અને અન્ય બે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે.આ અંગેની વિગતો મુજબ એક્ટર ધર્મેન્દ્ર અને જે અન્ય લોકોને નોટિસ પાઠવવામા આવી છે તે કેસ ‘ગરમ ધરમ ઢાબા’ ફ્રેન્ચાઈઝી સાથે સંલગ્ન છે.
બિઝનેસમેન સુશીલ કુમાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે આ નોટિસ મોકલવામાં આવી છે. આમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેને આ ફ્રેંન્ચાઈઝીમાં ઇન્વેસ્ટ કરવાની લાલચ આપવામાં આવી હતી.
એટલું જ નહીં જમીન ખરીદવા માટે તેની પાસેથી વધુ 63 લાખ રૂપિયાની માંગણી સુદ્ધાં કરવામાં આવી હતી. પરંતુ બાદમાં આ લોકોએ તેની સાથે છેતરપિંડી કરતા તેને મોટું નુકસાન ઉઠાવ્યું હતું.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ ફરિયાદી સુશીલ કુમાર દ્વારા જણાવ્યા અનુસાર આરોપીઓએ એપ્રિલ 2018ના મહિનામાં તેનો સંપર્ક કર્યો હતો. ત્યારે આ લોકોએ સુશીલ કુમારને ઉત્તર પ્રદેશના NH-24/NH-9 વિસ્તારમાં ‘ગરમ ધરમ ઢાબા’ની ફ્રેન્ચાઇઝી ખોલવાની ઓફર આપી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ફરિયાદીનો ટેલિફોનિક સંપર્ક કરાયો હતો. પરંતુ તેણે જણાવ્યું હતું કે, હવે તેને કોઈ ફ્રેન્ચાઈઝી જોઈતી નથી, પરંતુ તેણે પોતાના ઇન્વેસ્ટ કરેલા પૈસા રિટર્ન કરવાની માંગ કરી હતી. આમાં કોઈ કોગ્નિઝેબલ ગુનો નોંધાયો નથી, તેથી આ મામલે કોઈ પોલીસ કાર્યવાહીની જરૂર નથી, એમ પોલીસે જણાવ્યું હતું.