ચીન પછી, હવે ભારત પણ પાઇલટ્સને ડિજિટલ લાઇસન્સ આપશે

લોગ વિચાર :

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ કહ્યું કે, ભારતનું એવિએશન સેક્ટર જબરદસ્ત રીતે વધી રહ્યું છે. અને નજીકનાં ભવિષ્યમાં લગભગ 20000 પાઇલટ્સની જરૂર પડશે. પાઇલટ્સ એ ઉડ્ડયન ક્ષેત્રની કરોડરજ્જુ છે.

તેમનાં લાઇસન્સ પહેલાની જેમ કાર્ડ સિસ્ટમથી નહીં બને, પરંતુ ઇપીએલ એટલે કે ઇલેક્ટ્રોનિક પર્સનલ લાઇસન્સથી બનાવવામાં આવશે. તેમણે કમર્શિયલ પાઇલટ લાઇસન્સ સિસ્ટમનું સ્થાન લઈને ડિજિટલ સિસ્ટમમાં ઇપીએલ શરૂ કરતી વખતે આ વાત કરી હતી.

આ સાથે જ ભારત ચીન બાદ દુનિયાનો બીજો દેશ બની ગયો છે. જ્યાં પાયલટો માટે ઈપીએલ જારી કરવામાં આવશે. 2022 માં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન દ્વારા તમામ દેશોને ઇપીએલ બનાવવાની દિશામાં કામ કરવા જણાવ્યું હતું તે પછી ભારતમાં પણ આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

ઇપીએલ સિસ્ટમ શરૂ કરતાં પહેલાં ડીજીસીએ પાઇલટ્સને સ્માર્ટ કાર્ડના રૂપમાં સીપીએલ ઇશ્યૂ કરતા હતાં. ડીજીસીએએ અત્યાર સુધીમાં 62000 કાર્ડ લાઇસન્સ જારી કર્યા છે. ગયાં વર્ષે 2024માં આવા 20000 સીપીએલ જારી કરવામાં આવ્યાં હતાં. તે દર મહિને સરેરાશ 1667 કાર્ડ્સ છે. ઇપીએલ ઝડપથી બની શકે છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઇપીએલ એ વ્યક્તિગત લાઇસન્સનું ડિજિટલ સંસ્કરણ છે જે પાઇલટ્સ માટેનાં પરંપરાગત લાઇસન્સનું સ્થાન લેશે. આ ભારત સરકારની ‘ઈઝી ઓફ ડુઈગ બીઝનેસ’ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલોને અનુરૂપ સાતત્યપૂર્ણ અને પારદર્શક પ્રક્રિયા છે.

આ ઈપીએલ સુરક્ષિત રીતે મોબાઈલ એપ દ્વારા ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને 157 થઈ ગઈ છે.