મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ દંપતીએ તેમની 13 વર્ષની પુત્રીનું દાન કર્યું : રાખીમાંથી ગૌરી બનાવી

લોગ વિચાર :

માતા-પિતા લગ્નના માંડવે કન્‍યા દાન કરતા હોય છે, આ હિન્‍દુ રીતિ પણ છે. સોમવારે આગરાથી આવેલા દંપતીએ સંગમની રેતી પર પોતાની ૧૩ વર્ષિય દીકરી રાખી સિંહ ઠાકરેને જૂના અખાડાને દાનમાં આપી દીધી.

ગંગા સ્‍નાન બાદ ગુરુગ્રામથી આવેલા જૂના અખાડાના સંત કૌશલ ગિરિએ વૈદિક મંત્રોચ્‍ચારની વચ્‍ચે રાખીને શિબિર પ્રવેશ કરાવ્‍યો અને નામકરણ ગૌરી રાખ્‍યું. ગૌરીનું પિંડદાન ૧૯ જાન્‍યુઆરીના રોજ શિબિરમાં થશે. તમામ ધાર્મિક સંસ્‍કાર કરાવવામાં આવશે. ત્‍યાર બાદ દીકરી, ગુરુના પરિવારનો ભાગ થઈ જશે. મૂળ પરિવાર તેનાથી છૂટી જશે.

કુંભ, મહાકુંભ અને માઘ મેળામાં દાનની પરંપરા રહી છે. ઇતિહાસના પન્‍ના જણાવે છે કે, રાજા હરિશ્‍ચંદ્ર અહીં આવતા હતા, અને પોતાનું બધું જ દાન કરી દેતા હતા. મહાકુંભ ૨૦૨૫માં કન્‍યા દાન કરી દંપતીએ એક નવો અધ્‍યાય લખી લીધો છે.

આગરામાં ફતેહાબાદ રોડ પર ઢૌકી પોલીસ ચોકી પાસે રહેતા સંદીપ સિંહ પેઠાના વેપારી છે. પત્‍ની રીમા ઘરકામ કરે છે. તેમને બે દીકરીઓ છે રાખી અને નિક્કી. મોટી દીકરી રાખી ૧૩ વર્ષની છે. સ્‍પ્રિંગ ફીલ્‍ડ ઈન્‍ટર કોલેજમાં ધોરણ નવની વિદ્યાર્થિની છે.

મા રીમાએ જણાવ્‍યું કે, ગુરુની સેવામાં લગભગ ચાર વર્ષથી જોડાયેલા છે. કૌશલ ગિરિએ તેમના વિસ્‍તારમાં ભાગવત કથા કરાવી હતી. ભંડારો પણ રાખ્‍યો હતો. તે સમયે તેમના મનમાં જાગળતિ આવી. જણાવ્‍યું કે, ૨૬ ડિસેમ્‍બરના રોજ બંને દીકરીઓ સાથે મહાકુંભ મેળામાં આવ્‍યા. ગુરુના સાનિધ્‍યમાં શિવિર સેવામાં લાગ્‍યા. રાખીએ સાધ્‍વી બનવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. તેની ઈચ્‍છા પૂરી કરતા કૌશલ ગિરિ દ્વારા સેક્‍ટર ૨૦માં શિબિરમાં પ્રવેશ કરાવ્‍યો.

જૂના અખાડાના મહંત કૌશલ ગિરિનું કહેવું છે કે, પરિવારે કોઈ પણ દબાણ વિના દીકરી દાનમાં આપી દીધી. સંદીપ સિંહ ઠાકરે અને તેમની પત્‍ની લાંબા સમયથી આશ્રમ સાથે જોડાયેલ છે. પરિવાર ઈચ્‍છતો હતો કે તેમની દીકરી સાધ્‍વી બને, આ ઈચ્‍છા ગૌરીની પણ હતી. પરિવારની ઈચ્‍છા અને સહમતિથી ગૌરીને આશ્રમમાં સ્‍વીકાર કર્યો છે. દીકરી ભણવા માગશે તો તેને આધ્‍યાત્‍મનું શિક્ષણ આપવામાં આવશે.