યુપી બાદ હવે હિમાચલમાં રેસ્ટોરન્ટ-સ્ટ્રીટ ફૂડની લારીઓમાં માલિકની નેમ પ્લેટ ફરજિયાત

લોગવિચાર :

હિમાચલ પ્રદેશમાં પણ રેસ્ટોરાં, ફાસ્ટ ફૂડ સેન્ટરો અને સ્ટ્રીટ વેન્ડરોએ તેમની દુકાનો આગળ નેમ પ્લેટ લગાવવી પડશે. શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહે બુધવારના રોજ શિમલામાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશની તર્જ પર, રાજ્યમાં શેરી વિક્રેતાઓને તેમનાં ફોટાવાળા લાઇસન્સ આપવામાં આવશે. જેને દુકાનોની બહાર લગાવવું ફરજિયાત રહેશે.

વિક્રમાદિત્યએ કહ્યું કે નેમ પ્લેટ લગાવવા માટે શહેરી વિકાસ વિભાગને સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું, ’ખાસ કરીને ખાદ્યપદાર્થો વેચનારાઓએ સ્વચ્છતાના સંદર્ભમાં કાળજી લેવાની જરૂર છે. લોકોએ સ્વચ્છતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સ્ટ્રીટ વેન્ડર કમિટીની રચના કરવામાં આવી છે. ફોટો સાથેનું લાઇસન્સ આ સમિતિ પાસેથી લેવામાં આવશે.

હિમાચલમાં સ્ટ્રીટ વેન્ડર્સને લઈને હંમેશાં વિવાદ રહ્યો છે હિમાચલમાં ઘણાં વર્ષોથી સ્ટ્રીટ વેન્ડર્સને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સંજૌલી મસ્જિદ વિવાદ બાદ આ મામલાએ વેગ પકડ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં માત્ર ચોક્કસ સમુદાયનાં લોકોને જ સ્ટ્રીટ હોકિંગ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ પછી પંચાયતી રાજ મંત્રીએ વિધાનસભામાં પણ કહ્યું હતું કે શેરી વિક્રેતાઓ માત્ર હિમાચલી હોવા જોઈએ.

વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે સ્ટ્રીટ વેન્ડર્સને માત્ર હિમાચલી જ હોવા જોઈએ, કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. તેથી, અમે એવો કોઈ નિર્ણય નહીં લઈએ જેનાં પર કોર્ટ તરફથી સ્ટે મળે. તેમણે કહ્યું કે એક નીતિ બનાવવામાં આવી રહી છે. જેમાં ગરીબો, એસસી, એસટી અને વિધવાઓ માટે પણ શેરી વિક્રેતાઓ સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.

શિમલામાં સંજૌલી મસ્જિદ વિવાદ વચ્ચે ઉદ્યોગ પ્રધાનની અધ્યક્ષતામાં સ્ટ્રીટ વેન્ડર કમિટીની રચના કરવામાં આવી હતી, આ મુદ્દા પર વિધાનસભાનાં ચોમાસા સત્રમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્ટ્રીટ વેન્ડર્સ માટે પોલીસી બનાવવાનું નક્કી કરાયું હતું. આ પછી, રાજ્ય સરકારની ભલામણ પર, વિધાનસભા અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ સ્ટ્રીટ વેન્ડર કમિટીની રચના કરી હતી.