લોગ વિચાર :
જો 21મી સદીને વિકાસની દ્દષ્ટિએ એશિયાની સદી ગણવામાં આવે તો તેને સમસ્યાઓની સદી કહેવામાં પણ ખોટું નહીં લેખાય. તેની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2021માં સમગ્ર વિશ્ર્વમાં વાયુ પ્રદુષણને કારણે 81 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
યુનિસેફ સાથે ભાગીદારીમાં અમેરિકા સ્થિત સ્વતંત્ર રિસર્ચ સંસ્થા હેલ્થ ઈફેકટ્સ ઈન્સ્ટિટયૂટ (એચઈઆઈ)એ બુધવારે આ અહેવાલ બહાર પાડયો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા ચીનમાં 21 લાખ અને ભારતમાં 23 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા હતા.
તે જ સમયે, વાયુ પ્રદુષણે (pollution) બાળકો પર પણ કહેર વર્તાવ્યો હતો. ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉમરના 1,69,400 બાળકોના મોત થયા છે. એ પછી નાઈજીરિયામાં 1,14,100, પાકિસ્તાનમાં 68,000, ઈથોપિયામાં 31,100 અને બાંગ્લાદેશમાં 19,100 બાળકોના મોત થયા છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયામાં જાનહાનિનું મુખ્ય કારણ વાયુ પ્રદુષણ છે. આ પછી, હાઈ બ્લડ પ્રેશર, ભોજન અને તમાકુ જેવા પરિબળો મૃત્યુનું કારણ બની રહ્યા છે. વર્ષ 2021માં વાયુ પ્રદુષણને કારણે અગાઉના કોઈપણ અંદાજ કરતા વધુ મૃત્યુ જોવા મળ્યા હતા. ભારત અને ચીન, એક અબજથી વધુની વસ્તી સાથે, કુલ વૈશ્વિક રોગના બોજમાં 54 ટકા હિસ્સો ધરાવે છે.
બીએમ 2.5 અને ઓઝોન દ્વારા થતા વાયુ પ્રદુષણને કારણે 2021માં 8.1 મિલિયન મૃત્યુ થવાનો અંદાજ છે-જે કુલ વૈશ્ર્વિક વાયુ પ્રદુષણના 90 ટકાથી વધુ મૃત્યુ અથવા 78 લાખ મૃત્યુ પીએમ 2.5 વાયુ પ્રદુષણને કારણે થાય છે. જેમાં એમ્બિયન્ટ પીએમ 2.5 અને ઈન્ડોર વાયુ પ્રદુષણનો પણ સમાવેશ થાય છે.
એચઈઆઈના ગ્લોબલ હેલ્થ હેડ પલ્લવી પંતે જણાવ્યું હતું કે વાયુ પ્રદુષણની સ્વાસ્થ્ય પર ભારે અસર પડે છે. આ નવો અહેવાલ માનવ સ્વાસ્થ્ય પર વાયુ પ્રદુષણની નોંધપાત્ર અસરોની યાદ અપાવે છે જેમાં બાળકો, વૃધ્ધ વસ્તી અને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર વધુ અસર પડે છે.
કેન્સરના દર્દી
કેન્સરના દર્દીઓને સતત વાયુ પ્રદુષણનો સામનો કરવો પડે તો તેમને હદયરોગનું જોખમ વધવાની શકયતા હોવાનો ઘટસ્ફોટ એક રિસર્ચમાં કરાયો છે. અભ્યાસમાં દાવો કરાયો છે કેન્સરના દર્દી થોડા સમય માટે પણ વાયુ પ્રદુષણના વાતાવરણમાં રહે તો તેમના હદયનું આરોગ્ય જોખમાય છે. તાજેતરના રિસર્ચમાં 2000થી 2023 દરમિયાન પ્રકાશિત થયેલા આઠ રિસર્ચ પેપરની સમીક્ષા કરવામાં આવી છે. જેમાં વાયુ પ્રદુષણની હદયરોગ, સ્ટ્રોક અને કેન્સર પરની સીધી અસરને ચકાસવામાં આવી છે. રિસર્ચના તારણો ‘જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી’માં પ્રકાશિત કરાયા છે.
અભ્યાસમાં 1.1 કરોડથી વધુ લોકોને આવરી લેવાયા હતા. વાયુ પ્રદુષણના બારીક કણો (પીએમ 2.5)ને કારણે શરીરની પોતાને ઝેરમુકત કરવાની ક્ષમતા તેમજ સોજા સામેના રક્ષણની સિસ્ટમ નબળી પડે છે. તે કેન્સર અને હદયરોગ બંને માટે કોમન ‘રિસ્ક ફેકટર’ છે. નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વાયુ પ્રદુષણને કારણે થતા મૃત્યુનું પ્રમાણ 100 ગણું વધારે છે.